ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે તેમને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે. આશ્રમમાંથી હટાવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. જો કે તેઓ હવે આશ્રમમાં આવશે નહીં. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદે જણાવ્યું કે, મહાદેવ ભારતી બાબતે એટલું જ કહેવા માગું છું, તેણે શું કર્યું કે નથી કર્યું તેની મને કોઈ ખબર નથી. પરંતુ તેઓ જે રીતે ગાયબ થતા મને દુઃખ લાગ્યું એટલે હવે લઘુમહંત તરીકે મુક્ત કર્યા છે. હવેથી ભારતી આશ્રમમાં હું જ્યાં સુધી જીવુ છું ત્યાં સુધી હું જ વહીવટ કરીશ અને ત્યાં સુધી કોઈના હાથમાં વહીવટ નહીં, હવે આશ્રમમાં મારા સિવાય કોઈ સાધુ નહીં. ભારતી આશ્રમ જુનાગઢ, સરખેજ, કેવડીયા અને વાકીયા આ ચારેય આશ્રમની જવાબદારી મારા માથે રહેશે. મારા શિષ્યને ત્રણ દિવસથી વધુ સમય સુધી રોકાવાનું નહીં. હું કહું તો રોકાવાનું બાકી અલવિદા કહી દેવાનું રહેશે. આ ઘટનાથી કોઈ કલંક લાગ્યો નથી, દરેક આશ્રમમાં કોઈને કોઈ ઘટના બનતી હોય તો કલંકીત ક્યાંથી? ધર્મ છે અને રહેવાનો છે. મહાદેવ ભારતીને તેમના ભાઈ તથા માતા-પિતા આવ્યા હતા, જેથી તેમને સોંપવામાં આવ્યા છે. હાલમાં તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી: DySP
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિઓના માનસિક ત્રાસના કારણે આશ્રમ છોડીને ગુમ થયા હતા. જોકે, હાલમાં તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આ ઉપરાંત, જો તેમને કાયદેસરની ફરિયાદ નોંધાવવી હશે, તો તેઓ રૂબરૂ પોલીસ સ્ટેશન આવીને નોંધાવશે. 2 નવેમ્બરે ગુમ થયા અને 5 નવેમ્બરે મળ્યા
ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહીસલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 5 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ તેઓ મળી આવ્યા હતા. આમ 80 કલાકે મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​ત્યાર બાદ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સમાચાર મળતાં જ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવભારતી બાપુના ખબર અંતર પૂછ્યા હતા. બાપુને શોધવા એક મોટું સર્ચ અભિયાન શરૂ કરાયું હતું
​મહાદેવભારતી બાપુએ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ ગિરનારના સાંનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી. 300 પોલીસ કર્મી, 30 વન વિભાગના કર્મચારીઓએ સર્ચ ઓપરેશન કર્યું
આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમ તહેનાત કરવામાં આવી હતી. એમાં કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. એમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ હતા. જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ ટીમોને સંકલન જાળવવા માટે વોકીટોકી આપવામાં આવ્યા હતા. ‘પરેશ નામના સુરતના છોકરાએ FB પરથી કોન્ટેક્ટ કર્યો’
1008 મહામંડલેશ્વર મહાદેવભારતીએ સુસાઇડ નોટમાં લખ્યું કે હિતેશ ઝડફિયા અને કૃણાલ હરિયાણી, આ બે છોકરાને મેં ઓફિસમાં વહીવટમાં રાખ્યા હતા. બાપુના નજીકના હતા, જેથી મેં તેમને રાખ્યા. બહુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ મેહુલ ડોડિયા, મુંબઈ, તેમને પરેશ નામના એક સુરતના છોકરાએ ફેસબુક પરથી કોન્ટેક્ટ કર્યો કે મારે હરિહરાનંદ બાપુને મળવું છે. મેહુલે પ્રકાશ, જે બાપુની ગાડી ચલાવતો હતો, તેમનો નંબર આપ્યો. પ્રકાશ સાથે પરેશે વાત કરી અને પ્રકાશે કહ્યું કે અમે અમદાવાદ, સરખેજ આશ્રમે છીએ, ત્યાં આવો. ​પરેશ સરખેજ આશ્રમે આવ્યો, બાપુને મળ્યો. પરેશ સ્વામિનારાયણ મંદિરમાં તથા ચડાવ હનુમાન મંદિર, ગિરનાર પગથિયે, અવારનવાર સેવા માટે આવતો, એ બધી વાત તેણે બાપુને કીધી. ‘પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું’
બાપુએ પરેશને કીધું કે તું મારી સાથે રહીને સેવા કર અને મારો શિષ્ય બની જા. પરેશે કીધું, “થોડો સમય આપો.” પરંતુ બાપુએ આખી રાતમાં ત્રણ વખત બોલાવીને પરેશને કહ્યું હતું, “દીક્ષા લઈ લે.” બાપુ રડ્યા એટલે પરેશ માની ગયો અને સવારે બાપુએ એકલા હાથે પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું. હવે તે બાપુ સાથે રહેવા માંડ્યો. પછી બાપુએ તેમને બુરા આશ્રમે રાખ્યા. ​પછી મેં તેમને જૂનાગઢ આશ્રમમાં મારી સાથે રહીને મને આશ્રમમાં મદદરૂપ થાય એવી ભાવના સાથે જૂનાગઢ બોલાવ્યો. તેઓ આવ્યો અને સાથે રહેવા માંડ્યા. વ્યવસ્થિત રીતે અમે રહેતા હતા. પેલા બે છોકરા, હું, તથા પરમેશ્વર ભારતી સાથે હળીમળી રહેતા હતા. પછી જે હિતેશ ઝડફિયા હતો તે રોજ રાત્રે અશોકના ઘરે સૂવા માટે જતો હતો. અશોક આશ્રમ સામે ચાની કીટલીનું કામ કરે, એટલે રાત્રે ત્યાં હોય. ‘મારાથી નિરાશ થઈ મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા’
​અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે, એટલે બાપુને વાત કરી. પછી ગોવાળને રજા આપી દીધી. એટલે ગોવાળ ભરડાવાવ પાસે રહેવા જતા રહ્યા. તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો, એટલે મેં, બાપુએ, તેમને આવું કરવાની ના પાડી. તો તે આશ્રમમાંથી નીકળી ગયો અને ગોવાળની સાથે તેમના ઘરે રહેવા જતો રહ્યો. આ વાત પરમેશ્વર ભારતીને ના ગમી, એટલે મારી સાથે એ ઝઘડવા માંડ્યા. એ આખો દિવસ ત્યાં તેમની ચાની કીટલીએ જઈને બેસતો. એટલે મેં તેમનો વિરોધ કર્યો. આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારીએ બેસીએ, એ બરાબર ના કહેવાય. આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા. ‘ત્રણ વર્ષથી મારા પર માનસિક ટોર્ચરિંગ કરે છે’
​આ ત્રણેય જણા- હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી, મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી મારા પર માનસિક ટોર્ચરિંગ કરે છે, એમાં છેલ્લા પાંચ મહિનાથી તો ખૂબ જ વધી ગયું છે. બાપુને પણ દબાણ કરે છે. બાપુએ મને કીધું કે તું ગોરા આશ્રમે વયો જા. ત્યાં મંદિરનું કામ ચાલુ છે, તો ત્યાં રહેજે. હું ગોરા ગયો. ત્યાં પણ આ બંને છોકરા આવ્યા અને ત્રણેય થઈને પાછું મારા પર એ જ ચાલુ કરી દીધું. હું ત્યાંથી નીકળી ગયો અને અંકલેશ્વર પાસે દત્ત આશ્રમ, ઉદાલી જતો રહ્યો. એ દરમિયાન આ લોકોના ટોર્ચરિંગથી મારા મગજ પર ખરાબ અસર પડી, જેથી સતીશભાઈ ખરેડી મને રાજકોટ મેન્ટલની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં પાંચ મહિના દવા લીધી. દવા લો તો જ ઊંઘ આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ. ‘મને અહીં શાંતિથી રહેવા દો’
ઉદાલી આશ્રમે આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન કર્યું, તો મને રાહત થઈ. પછી હું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરી ખડિયા મહાકાળી ધામ, જ્યાં મારો શિષ્ય રહે છે, ત્યાં રોકાવા સાત-આઠ દિવસ આવ્યો. હું ત્યાં શાંતિથી રહેતો હતો. ત્યાં મનોજ જોબનપુત્રા (ટ્રસ્ટી) તથા જયદીપ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યા. પહેલા તો મેં ના પાડી કે “મને અહીં શાંતિથી રહેવા દો.” પછી તેમણે બહુ આગ્રહ કર્યો હતો, એટલે હું આવ્યો. જૂનાગઢ આશ્રમે આવ્યો, દર્શન કરી બાપુને મળ્યો. પછી બાપુએ કીધું કે સરખેજ આશ્રમે થોડા દિવસ રહીને પછી ગોરા વયો જજે. પછી થોડા દિવસ સરખેજ રહીને નવરાત્રિ અનુષ્ઠાન કરવા હું ગોરા આશ્રમ ગયો. પછી બાપુનો પાછો ફોન આવ્યો કે નલખેડા બગડામુખી માતાજીને ત્યાં જઈ આવો. તો હું ઉજ્જૈન, નલખેડા જઈ પછી પાછો અમદાવાદ આવ્યો. સરખેજ આશ્રમે દિવાળી કરી. હું ત્રીજ-ચોથમાં સાણથલી ગામે કથા હતી ત્યાં ગયો. ‘પરમેશ્વર ભારતીએ બાપુને કહ્યું, મહાદેવભારતી જૂનાગઢ ના આવવા જોઈએ’
​ત્યાર પછી એવું નક્કી કર્યું કે હવે જૂનાગઢ થોડા દિવસ રહેવાનું. પહેલા બીજના દિવસે બાપુએ જૂનાગઢ આવવાનું કહ્યું. પછી પરમેશ્વર ભારતીએ બાપુને ના પાડી કે “એ મહાદેવભારતી જૂનાગઢ ના આવવા જોઈએ.” બાપુને ધમકી પણ આપી. પછી સરખેજથી ઇક્કા બાપુ, અમર ભારતી બાપુ, તથા મનોજભાઈ જોબનપુત્રા (હું ખડિયા હતો ત્યાંથી) આવ્યા અને બધા રાત્રે 12:00 વાગ્યે આશ્રમે આવ્યા. પરમેશ્વર ભારતીને બધાએ બહુ જ સમજાવ્યા. રાત્રે ત્રણ વાગ્યા સુધી સમજાવ્યા સમાધાન માટે, પણ તે માન્યા નહીં. બીજે દિવસે અને રાત્રે પણ સમજાવ્યા, તોપણ ના માન્યા. ઓલા બે છોકરા, હિતેશ અને કૃણાલને પણ બોલાવ્યા, પણ તેઓ પણ કહેવા માંડ્યા, “મહાદેવ બાપુને આશ્રમમાંથી જવા દો.” સમાધાન તો ના કર્યું, ઊલટાની ધાકધમકી આપવા લાગ્યા. ‘આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું’
​છેલ્લા ઘણા ટાઈમથી મને અને હરિહરાનંદ બાપુ (ગુરુજી)ને આ લોકો ત્રણેય જણા ખૂબ ટોર્ચરિંગ કરે છે. આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હું હવે આવા લોકોથી એટલો ત્રાસી ગયો છું કે મને મરવા મજબૂર થવું પડ્યું છે, તેથી હું આજે જંગલમાં ગિરનારના સાંનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું. મારી એવી ઈચ્છા છે કે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ના આવ્યું હોય, પણ મારા મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે. એટલા માટે હું જંગલમાં જઈ રહ્યો છું. કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો, કેમ કે મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં સંકલ્પ પણ કર્યો છે કે દેહદાનનો સિવિલમાં જઈ તે મારે ફોર્મ ભરવાનું હતું, પણ સેટિંગ ન આવ્યું. અજયભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. મારા ફોનમાં એનું રેકોર્ડિંગ પણ છે. ​તો પૂજ્ય ગુરુજીને તથા મારી સાથે જોડાયેલા સઘળા લોકો તથા મારા પૂર્વાશ્રમનાં માતા-પિતા, પરિવારની સૌની હું ક્ષમા માગું છું. મને માફ કરી દેજો. કદાચ ઈશ્વરની આ જ ઈચ્છા હશે. મારું જીવન આટલું જ હશે. આ સાથે અમદાવાદના નિલેશભાઈ ડોડિયા તથા રોનક સોનીએ પણ મને માનસિક ત્રાસ આપ્યો છે. ​આ બધાને તેમનાં કર્મની સજા મળે, જેથી બીજા મારા જેવાનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે. મારી દેશના માનનીય રાષ્ટ્રપતિજી, વડાપ્રધાન, તથા ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને વિનંતી છે કે મારા આ કેસની વ્યવસ્થિત ઇન્ક્વાયરી થાય અને દોષિતોને સજા મળે, એવી હું આશા રાખું છું. મારી વિનંતી આપ જરૂર સ્વીકારજો, એવી આશા સાથે મારી સાથે જોડાયેલા તથા મને સાથ આપનારા સર્વેનું હું આભારી છું. તમો બધા મને માફ કરશો, એવી આશા સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ​લિ. આપનો મહાદેવભારતી પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી
બાપુએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ માનસિક શાંતિ માટે ઉદાલી આશ્રમે મૌન અનુષ્ઠાન કરી આવ્યા હતા અને ત્યાર બાદ ખડિયા મહાકાળી ધામમાં પણ થોડો સમય શાંતિથી રહ્યા હતા, જોકે આગ્રહને કારણે તેઓ જૂનાગઢ પરત આવ્યા બાદ ત્રાસ ફરી શરૂ થયો હતો. બાપુની સુસાઇડ નોટના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી અને સાથે જ તેમના જીવને જોખમ ન પહોંચે એ માટે તાત્કાલિક સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલાં બાપુને મહાકાળી ધામથી ટ્રસ્ટીઓ સમજાવીને જૂનાગઢ ભારતી આશ્રમ લઈ ગયા હતા દિવ્ય ભાસ્કરની ટીમ ખડિયા નજીક આવેલા મહાકાલી ધામ ખાતે જ્યાં થોડો સમય પહેલાં મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ સાતથી આઠ દિવસ રોકાયા હતા ત્યાં પહોંચી હતી. ત્યાર બાદ ભારતીય આશ્રમના ટ્રસ્ટી મનોજ જોબનપુત્રા અને જયદીપ બાપુ તેમને અહીંથી જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર ‘હિતેશ-કૃણાલ,પરમેશ્વર ભારતી 3 વર્ષથી ટોર્ચર કરતા એટલે મરવા મજબૂર થયો’
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી 2 નવેમ્બર વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતાં.(વાંચો સંપૂર્ણ અહેવાલ) મહાદેવભારતી દ્વારા સુસાઈડ નોટમાં જે નામો લખાયાં છે તેમની અને આશ્રમના અન્ય લોકોની પૂછપરછ હાથ ધરાઈ
મહાદેવભારતીની મળી આવેલી સુસાઈડ નોટમાં જે લોકોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની ભવનાથ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!