આદિવાસી સમુદ્દાયના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારે આવાસ, રોજગાર-સ્વરોજગારની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે : શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ, કચ્છ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સ્વાતંત્ર્યવીર અને ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં દર વર્ષે ૧૫ નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની પ્રણાલીની વર્ષ ૨૦૨૧થી શરૂઆત થઈ છે. ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે કચ્છનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ભગવાન બિરસા મુંડાને વંદન કરીને જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની પરંપરાથી સમગ્ર આદિવાસી સમુદાયને રાષ્ટ્રના મંચ પર વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે. આદિવાસી સમુદ્દાયનો ઉત્કર્ષ થાય, વિકાસની સાથે તેઓ પોતાની મૂળ પરંપરા સાથે જોડાઈ રહે છે એ દિશામાં પ્રયત્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિજાતિ બાંધવોને સરકારની પ્રત્યેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા આશય સાથે છેવાડાના વંચિત માનવી સુધી પહોંચવાનો સરકારે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે. મોડેલ સ્કૂલો થકી આપણા આદિવાસી બાંધવોના દીકરા-દીકરીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. આદિવાસી સમુદ્દાયના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે આવાસ, રોજગાર-સ્વરોજગારની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. આદિજાતિ સમુદાય માટે સુવિધાઓ ઉભી કરીને તેઓને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે સરકાર હંમેશાં પ્રતિબદ્ધ રહી છે.

આ પ્રંસગે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિને બચાવવા તેમજ માતૃભૂમિનું રક્ષણ કરવા માટે અંગ્રેજી હકૂમત સામે આંદોલન કર્યું હતું. વડાપ્રધાનશ્રી દિશાદર્શનમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી એ આદિવાસી સમુદ્દાયને ગૌરવ અપાવી રહી છે. માત્ર આદિવાસી સમુદાય જ નહીં પણ દરેક નાગરિકોએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને તેમના આદર્શોને અપનાવવા જોઈએ.

પ્રાંસગિક ઉદ્બોધન કરતાં ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક આદિવાસી બાળક અન્યાયનો પ્રતિકાર કરીને મહાનાયક તરીકે ઊભરી આવે છે. નાગરિકોએ રાષ્ટ્રને પ્રથમ રાખીને દરેક કાર્યને કરવું જોઈએ. ધારાસભ્યશ્રીએ આદિવાસી બાંધવોને મુખ્યધારામાં લાવવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. રાષ્ટ્રના વિકાસ માટે સહિયારો પ્રયાસ કરીને આગળ વધવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અગ્રણીશ્રી હિંમતસિંહ વસણે ભગવાન બિરસા મુંડાનો જીવન પરિચય આપતા જણાવ્યું હતું કે, આપણે સૌએ ભગવાન બિરસા મુંડાના કાર્યોમાંથી પ્રેરણા લઈને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ. હજારો વર્ષોથી કહેવાય છે કે, ધરતી આપણી માતા છે અને આપણા તેના પુત્રો છીએ.. આ વાતને ભગવાન બિરસા મુંડાએ સાર્થક કરીને જમીનદારોના શોષણ તેમજ અંગ્રેજોના અન્યાય સામે લડત ચલાવી હતી. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો.. એ નીતિ સામે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી બાંધવોને એકજૂટ રાખ્યા હતા. ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિના રક્ષક અને સામાજિક જાગૃતિના પ્રવર્તક હતા. શ્રી હિંમતસિંહે સરકારના આદિવાસી કલ્યાણના કાર્યક્રમોને બિરદાવીને પ્રકૃતિના રક્ષણ સાથે રાષ્ટ્રધર્મ નિભાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આદિવાસી સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત આયોજિત સેવા સેતુ કેમ્પ દ્વારા સ્થળ પર જ નાગરિકોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવ દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મનિષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, આદિજાતિ અધિકારીશ્રી ડી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયા પ્રજાપતિ અને સી.આર.પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી વિનોદ રોહિત સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!