જ્યારે આખી દુનિયા પ્રદૂષણથી ચિંતિત છે, ત્યારે સુરતના કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘સાર્વજનિક યુનિવર્સિટી’ના આ વિદ્યાર્થીઓએ એ સાબિત કરી દીધું છે કે, જો મનમાં કચરાને કંચન બનાવવાની ઈચ્છા હોય, તો ગમે તેવો ઝેરી કચરો પણ ઉપયોગી બની શકે છે. આ ગ્રુપે શહેરમાંથી સિગરેટના ટુકડા (બટ્સ) એકત્ર કરી તેને રિસાયકલ પેપર સહિત સુંદર વસ્તુઓમાં ફેરવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. ગંદકીથી પર્યાવરણની સુરક્ષા તરફનું ડગલું
રોજિંદા જીવનમાં લાખો સિગરેટના બટ્સ રસ્તા પર અને ગટરમાં ફેંકાય છે. સિગરેટનું ફિલ્ટર સેલ્યુલોઝ એસિટેટનું બનેલું હોય છે, જેને કુદરતી રીતે ઓગળતા વર્ષો લાગે છે અને તે જમીન તેમજ પાણીને ભારે નુકસાન પહોંચાડે છે. સુરતના જય મેહતા (સ્થાપક), સંયમ ડગલી (નેતૃત્વ), તન્વી પ્રજાપતિ, લિપ્સા પડશાળા, ડો .પ્રતીક પટેલ (પ્રોફેસર), હર્ષ ધોળિયા અને જૈનમી લાનીયા આ યુવાઓએ આ સમસ્યાને તકમાં બદલી નાખી છે. કેવી રીતે થાય છે આ ‘ઝેર’નું શુદ્ધિકરણ?
આ પ્રોજેક્ટ માત્ર કચરો વીણવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમાં ઠેર-ઠેર સિગરેટના આકારની ખાસ કચરાપેટીઓ મૂકવામાં આવી છે, જેથી લોકો કચરો ત્યાં જ નાખે. એકત્ર થયેલા ફિલ્ટર્સને કેમિકલ પ્રોસેસ દ્વારા Detoxify (ઝેરમુક્ત) કરવામાં આવે છે. શુદ્ધ થયા બાદ તેમાંથી રિસાયકલ પેપર, ઉન, ફોટોફ્રેમ, બુકમાર્ક, ડાયરી અને કિચેઇન જેવી આકર્ષક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. નફા માટે નહીં, પણ નજરિયા બદલવા માટે
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કામગીરી કોઈ વ્યાવસાયિક નફા માટે કરવામાં આવતી નથી. હેતુ માત્ર રિસાયકલ કરવાનો નથી, પરંતુ લોકોનો નજરિયો બદલવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો પોતાની જવાબદારી સમજે અને ધીરે ધીરે આ વ્યસનથી દૂર થાય. સિગરેટના આકારની ડસ્ટબિન મુખ્ય આકર્ષણ
શહેરમાં સિગરેટના આકારની ડસ્ટબિન મૂકીને લોકોમાં જાગૃતિ ફેલાવવી. સમયાંતરે જાહેર સ્થળોએ સફાઈ અભિયાન ચલાવી કચરો એકત્ર કરવો. પર્યાવરણને નુકસાન કરતા કચરાને જીવનશૈલીની ઉપયોગી ચીજોમાં ફેરવવી. સુરતના આ વિદ્યાર્થીઓની મહેનત આજે પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. આ નાનકડો પ્રયાસ આવનારા સમયમાં મોટા પર્યાવરણીય પરિવર્તનનો પાયો નાખશે તેમાં કોઈ શંકા નથી. ફિલ્ટર્સમાંથી પેપર સહિતની સ્ટેશનરી પ્રોડક્ટ્સ બનાવીએ છીએઃ જય મહેતા
આ અંગે જય મહેતાએ જણાવ્યું હતું કે, આ જે પ્રોજેક્ટ છે તે અમે કોલેજમાં SSIP (Student Startup and Innovation Policy) સ્ટાર્ટઅપ અંતર્ગત ચાલુ કર્યો છે. આ એક એન્વાયરમેન્ટલ અવેરનેસ પણ આનાથી અમે ફેલાવી રહ્યા છીએ. તમે માઉન્ટેન પર જાઓ કે કશે પણ જાઓ, તમને સિગારેટના બટ્સ ત્યાં જોવા મળે છે અને આ એન્વાયરમેન્ટને પણ નુકસાન કરે છે. તો એને અકોર્ડિંગ અમે આનું સોલ્યુશન લાવવા માટે એને રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે અને એ રિસાયકલ કરીને એમાંથી અમે રિસાયકલ પેપર બનાવી રહ્યા છીએ. આ જે પેપર છે તેની અંદરથી આર્ટિસ્ટિક પ્રોડક્ટ અને અધર સ્ટેશનરી પ્રોડક્ટ્સ બની રહી છે. તેમજ આની અંદર અમે સીડ્સનો ઉપયોગ કરીએ છીએ, જેથી બાય ચાન્સ આગળ જઈને આ પેપરને પણ ડિસ્કાર્ડ કરવું હોય તો તેમાંથી આપણે પ્લાન્ટેશન કરીને છોડ ઉગાડી શકાય. હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છુંઃ લિપ્સા
લિપ્સા પડસાલાએ જણાવ્યું હતું કે, હું અઠવાલાઈન્સ પર આવેલી કોલેજમાં અભ્યાસ કરું છું અને હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છું. અમારો પ્રોજેક્ટ કંઈક એવો છે કે અમે લોકો સિગારેટ બટ્સને કલેક્ટ કરી અને તેને રિસાયકલ કરીને તેને કેમિકલ ટ્રીટમેન્ટ આપીને તેમાંથી પેપર અને થ્રેડ બનાવીએ છીએ. જે પેપર છે તે આપણે ગિફ્ટિંગ આર્ટિકલ્સ માટે યુઝ કરી શકીએ અને જે કોઈપણ જાતના આપણે પ્રોજેક્ટ્સ કે સમથિંગ કંઈ હોય તો એના માટે પણ આપણે યુઝ કરી શકીએ. એ પેપર અમે જે સિગારેટ બટ્સનો જે વેસ્ટ છે, એને રિસાયકલ કરીને બનાવેલો છે. અમારો મેઈન એજન્ડા એ છે કે આપણે કચરાને ઈગ્નોર નથી કરવાનો, આપણે કચરામાંથી જ ઈનોવેટિવ વસ્તુ બનાવવાની છે જેનાથી એન્વાયરમેન્ટ છે એને ડેમેજ ઓછું થાય. અમે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી છે, એના ઉપર કામ કરીએ છીએ. વિચાર કેવી રીતે આવ્યો?
આપણે ત્યાં સિગારેટ મોસ્ટલી રસ્તા ઉપર બહુ બધી પડેલી હોય છે. તો સિગારેટમાં જે કેમિકલ હોય છે એ બહુ હાર્મફુલ કેમિકલ હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે અને એની આજુબાજુ જે પણ નાના જીવ હોય, સૂક્ષ્મ જીવ હોય એને નુકસાન કરે છે. તો અમે એવું વિચાર્યું કે એ જે રસ્તા પર પડી અને જે બહુ બધા વર્ષો પછી ડીગ્રેડ થાય છે, એનામાંથી આપણે કંઈક યુઝફુલ વસ્તુ બનાવીએ કે જેનાથી કચરો પણ આપણે રિસાયકલ કરી શકીએ અને જે એન્વાયરમેન્ટને ડેમેજ થાય છે એ પણ આપણે ઘટાડી શકીએ. ‘લોકોને નથી ખબર કે અમે આ કામ શું કામ કરી રહ્યા છીએ’
સૌથી અઘરો પાર્ટ છે તે કલેક્શનનો છે. કારણ કે અમારે પાનનાં ગલ્લા ઉપર જઈને કલેક્શન કરવું પડે છે. લોકોના POV (Point of Views) અને જજમેન્ટ અલગ-અલગ હોય છે, કારણ કે એક છોકરી પાનનાં ગલ્લા ઉપર જાય છે અને ત્યાંથી એ લોકોની રાહ જુએ છે કે, ક્યારે તે સિગારેટ પૂરી કરે અને એનું જે પાછળનું રિમેન વસ્તુ (બટ્સ) છે તે ફેંકે, પછી અમે એને ઉઠાવીએ છીએ. લોકોને નથી ખબર કે અમે આ કામ શું કામ કરી રહ્યા છીએ, તો લોકોના જે જજમેન્ટ છે તે બહુ વધુ હોય છે, જેના લીધે અમને સૌથી અઘરો પાર્ટ કલેક્શન લાગે છે આ આખી પ્રોસેસમાં. ‘અમે ખાલી ને ખાલી પર્યાવરણને બચાવવા કામ કરી રહ્યા છીએ’
અમે ઘણા ગલ્લા ઉપર સિગારેટ વેસ્ટ માટે બીન્સ (Bins) પણ મૂકેલી છે, પણ લોકો જાગૃત નથી. લોકો એમાં સિગારેટ નાખતા નથી. અમે લોકો આજે કામ કરી રહ્યા છીએ, હું અને મારી ટીમ, એ ખાલી ને ખાલી પર્યાવરણને બચાવવા માટે આ કામ કરી રહ્યા છીએ. તો એના માટે અમારે આખા સુરતનો સપોર્ટ જોઈએ છે. કારણ કે અમે એકલાથી આ કામ નહીં થાય, અમારે તમારી પણ હેલ્પ જોઈએ છે જેનાથી અમે લોકો સરખી રીતે કલેક્શન કરી અને આગળ વધી શકીએ.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!