પુસ્તકો એ માત્ર કાગળના પાના નથી, પણ જ્ઞાનનો અખૂટ ખજાનો છે.

આ વાતને સાર્થક કરતા આજે ઊંઝાની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસ (M.R.S.) સાર્વજનિક પુસ્તકાલય ખાતે એક ભવ્ય ‘પુસ્તક પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું.મંગળવારના મંગલમય દિવસે યોજાયેલા આ કાર્યક્રમે શહેરના વાંચનપ્રેમીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સર્વોદય કો-ઓપરેટિવ બેંકના પાસ્ટ ચેરમેન શ્રી જયેશભાઈ બી. શાહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ છે અને આવા પ્રદર્શનો નવી પેઢીને સાહિત્ય સાથે જોડવાનું કામ કરે છે.
શહેરીજનોની સાથે વિદ્યાર્થીઓનો અદભૂત પ્રતિસાદ મળ્યો.
આ પ્રદર્શનની ખાસિયત એ રહી કે, તેમાં શિશુ મંદિર અને કે.એલ પટેલ વિદ્યાલયના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. પુસ્તકોની દુનિયા જોઈને બાળકોના ચહેરા પર એક અનોખી ચમક જોવા મળી હતી. શહેરીજનોએ પણ મોટી સંખ્યામાં વાંચનના આ મહોત્સવનો લાભ લીધો.
સંસ્થાની પ્રગતિની ગાથા
સંસ્થાના મંત્રી શ્રી તુષારભાઈ અને શ્રી એચ.કે. પટેલે પુસ્તકાલયની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. સંસ્થાના અધ્યક્ષ શ્રી તેજપાલભાઈ પટવાએ ગર્વ સાથે જણાવ્યું હતું કે: “આજે આ સંસ્થા દિન-પ્રતિદિન વટવૃક્ષ બની રહી છે. હાલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં નિયમિત વાંચનનો લાભ લે છે અને તેમને તમામ પ્રકારની આધુનિક સગવડો પૂરી પાડવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ (એન્જિનિયર), શ્રી રમણભાઈ સથવારા, શ્રી ચંદ્રવદનભાઈ લીંબચીયા તથા હસમુખભાઈ (એચ.કે. પટેલ) જેવા અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી એચ.કે. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે યોજાયેલા આ પ્રદર્શને ઊંઝામાં ફરી એકવાર વાંચન ભૂખ જગાડી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
