મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ૨૬મી એપ્રિલે મતદાન અને ૨૮મીએ મતગણતરી હાથ ધરાસે


જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, આગામી ૨૬મી એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરી યોજાશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર મહેસાણા જિલ્લામાં આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) અમલમાં આવી ગઈ છે. જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર અને વહીવટી વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. ચૂંટણી સંબંધિત તમામ વિગતો અને આદેશો રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર તમામ સ્તરે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગોડાએ વિગતો આપતા જણાવ્યું કે મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વ્યાપક મતાધિકારનો ઉપયોગ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મતદાન મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારના ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આમ, સમગ્ર જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર લોકશાહીના આ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે પુરતી સંખ્યામાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ રહેશે, જે બાદ ૧૩ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આ ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની કુલ ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચર-બેચરાજી અને ઊંઝા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે.
મતદાન મથકોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયત માટે કુલ ૧૪૭૧ મતદાન મથકો છે, જેમાં ખેરાલુ (૧૦૯), વડનગર (૧૨૬), સતલાસણા (૯૭), વિસનગર (૧૬૮), વિજાપુર (૨૨૦), કડી (૨૩૭), બેચરાજી (૯૬), જોટાણા (૭૨), મહેસાણા (૨૨૭) અને ઊંઝામાં ૧૧૯ મથકોનો સમાવેશ થાય છે. નગરપાલિકા માટે કુલ ૧૮૯ મથકો છે, જેમાં વિસનગર (૫૭), વિજાપુર (૨૬), કડી (૫૦), બેચર-બેચરાજી (૧૦), ઊંઝા (૪૬) અને વડનગર પેટા ચૂંટણી (૪) મથકોનો સમાવેશ થાય છે.
જ્યારે મહેસાણા મહાનગરપાલિકા માટે કુલ ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અભિષેક પરમાર, નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખુંટ, સ્વીપ અને આચારસંહિતાના નોડલ અધિકારીશ્રી, ચૂંટણી મામલતદાર શ્રી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
