સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા સેવા સદન ખાતે ભવ્ય શક્તિપ્રદર્શન સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરી વચ્ચે ઉમેદવારો ઉત્સાહભેર રેલી સ્વરૂપે કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસના ઝંડા અને નારા ગૂંજી ઉઠ્યા હતા.

સાંતલપુર જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરબતભાઈ ભચાભાઈ આહીરે ઉમેદવારી નોંધાવી હતી. તાલુકા પંચાયતની સીટોમાં સાંતલપુર સીટ પરથી કુલદીપસિંહ બટુકસિંહ, મઢુત્રા સીટ પરથી નારણભાઈ આલાભાઈ, પીપરાળા સીટ પરથી વિરમભાઈ પાતાભાઈ, ધોકાવાડા સીટ પરથી વિરમભાઈ સવાભાઈ તેમજ વૌવા સીટ પરથી રમેશભાઈ મનજીભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારો દ્વારા વિસ્તારના લોકો સાથે સીધી જોડાણ સ્થાપિત કરીને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી છે. ગટર લાઈનની અપૂરતી વ્યવસ્થા, પીવાના પાણીની તંગી, ખરાબ હાલતમાં રહેલા રોડ-રસ્તાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારા જેવી મૂળભૂત સમસ્યાઓને દૂર કરવાની બાહેંદરી આપવામાં આવી છે. સાથે જ નર્મદા કેનાલથી વંચિત રહેલા ખેડૂતોને પાણી પહોંચાડવા અને તેમને ન્યાય અપાવવાનો પણ મુદ્દો મુખ્ય એજન્ડા તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ભચાભાઈ આહીર અને મહેબૂબખાન મલેક સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે કાર્યકર્તાઓને એકજૂટ થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જે કોંગ્રેસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “કોંગ્રેસ જ જીતશે” જેવા નારા ગૂંજી ઉઠ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.
આ શક્તિપ્રદર્શન અને ઉમેદવારી નોંધણીના કાર્યક્રમથી સ્પષ્ટ થાય છે કે સાંતલપુર તાલુકામાં આ વખતે ચૂંટણી જંગ કટોકટીભર્યો રહેવાનો છે. કોંગ્રેસ પક્ષે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનસમર્થન મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે અને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકોનો આશીર્વાદ મળતાં તેઓ વિજય મેળવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
