પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ દિવસેને દિવસે ગરમાતું જઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.

સાંતલપુર જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર આહીર પરબતભાઈ ભચાભાઈ (રણમલપુરા)એ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તાલુકાની અન્ય બેઠકોમાં પણ ઉમેદવારી નોંધાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ધોકાવાડા તાલુકા પંચાયત બેઠક પર આહીર વિરમભાઈ સવાભાઈ (બકૂત્રા), સાંતલપુર તાલુકા પંચાયત બેઠક પર જાડેજા કુલદીપસિંહ બટુકસિંહ (સાંતલપુર), પીપરાળા તાલુકા પંચાયત બેઠક પર આહીર વિરાભાઈ પાતાભાઈ (દાત્રાણા), મઢુત્રા તાલુકા પંચાયત બેઠક પર નારણભાઈ આલાભાઈ આહીર (મઢુત્રા) તેમજ વૌવા તાલુકા પંચાયત બેઠક પર નાનજીભાઈ મનજીભાઈ પરમાર (વૌવા)એ પણ ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારના મુખ્ય પ્રશ્નોને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ખેડૂતોને ખેતપેદાશના યોગ્ય ભાવ ન મળવો, સિંચાઈ માટે પૂરતી પાણી વ્યવસ્થા ન હોવી, ગામોમાં ગટર લાઈન, રોડ-રસ્તા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ઉમેદવારો એ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા વર્ષોથી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓને પૂરતું પ્રાધાન્ય મળ્યું નથી. ખાસ કરીને 11 ગામોને સિંચાઈ માટેની યોજના મંજૂર થવા છતાં તેના બજેટમાં ઘટાડો થવાને કારણે કામ ધીમું પડી ગયું છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તાલુકામાં આવવા-જવા માટે પણ ટોલ ટેક્સ ભરવો પડતો હોવો સ્થાનિક લોકો માટે ભારરૂપ બન્યો છે. આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવી, લોકોની સેવા માટે પૂરતો સમય અને નિષ્ઠા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉમેદવારો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર વિકાસમુખી વિચારસરણી ધરાવતા ઉમેદવારોને સમર્થન આપે અને વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે મજબૂત નેતૃત્વ પસંદ કરે. ખાસ કરીને યુવા નેતૃત્વને આગળ લાવી સાંતલપુર તાલુકાને નવી દિશામાં વિકાસ તરફ આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ચૂંટણી નજીક આવતા સાંતલપુર તાલુકામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની સંભાવના છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો, મુલાકાતો અને પ્રચાર પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આવનારા દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ જોરશોરથી આગળ વધશે અને મતદારોનો મૂડ કઈ દિશામાં વળે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!