પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જાય છે. આ પરિસ્થિતિમાં ઝઝામ તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે જમુબેન ધીરાજી લવિંગજી ઠાકોરે ભવ્ય રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે તેમના સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ઉત્સાહભેર જોવા મળ્યો હતો.
ઉમેદવારી નોંધાવ્યા બાદ જમુબેન ધીરાજી લવિંગજી ઠાકોરે The Gujarat Live News સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અનેક મૂળભૂત સમસ્યાઓ લોકોના દૈનિક જીવનને અસર કરી રહી છે. ખાસ કરીને ગટર લાઈનની અપૂર્ણ વ્યવસ્થા, ખરાબ રોડ-રસ્તા, પીવાના પાણીની અછત, શિક્ષણ ક્ષેત્રે અછત અને આરોગ્ય સેવાઓની નબળી સ્થિતિ જેવા પ્રશ્નો આજે પણ યથાવત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટણીમાં વિજયી બનશે તો આ તમામ સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. તેઓએ લોકોને વિશ્વાસ આપ્યો હતો કે વિકાસના દરેક મુદ્દે પારદર્શકતા અને જવાબદારી સાથે કામ કરવામાં આવશે.
ખેડૂતોના પ્રશ્નોને પણ મહત્વ આપતા જમુબેન ધીરાજી લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો સાથે થતો અન્યાય દૂર કરવા માટે તેઓ મજબૂત અવાજ ઉઠાવશે અને ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરશે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ આધારિત વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે.
ચૂંટણીને લઈને તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિસ્તારના લોકોનો તેમને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને આ સમર્થનના બળ પર તેઓ ચોક્કસપણે વિજય હાંસલ કરશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે તેઓ જનસેવા માટે પ્રતિબદ્ધ છે અને લોકોના વિશ્વાસને જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
