સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની સોદાબાજી કરી રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો કે પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને રૂ. 18 લાખ માંગ્યા હતા. બાદમાં સોદો 8 લાખમાં નક્કી થયો હતો. સોદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે, જેને ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધાર્યો છે. પ્રભારી ઓમ પ્રકાશ પર ટિકિટના બદલે નાણાં માંગવાનો આક્ષેપ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બે દિવસ પહેલાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઓમ પ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માંગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો કે તેમની પત્ની લિપ્સા માટે 18 લાખ માંગ્યા હતા. સોદો અંતે 8 લાખમાં નક્કી થયો હતો. ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવાયા હતા. નાણાં લીધા છતાં પત્નીને ઉમેદવાર ન બનાવતાં નવનીત નાવડીયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ચૂંટણી ટિકિટ અને મેન્ડેટના નામે 18 લાખની માંગણી નવનીતભાઈ ચંદુભાઈ નાવડીયાએ આક્ષેપ કર્યો કે 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઓમપ્રકાશે મેન્ડેટ જરૂરી હોવાનું જણાવ્યું હતું. કતારગામની મુલાકાતમાં કહ્યું હતું કે, ‘આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, તેથી મેન્ડેટ મેળવવા માટે 18 લાખ રૂપિયા આપવા પડશે.’ સાથે લાલચ આપી કે કોર્પોરેટર બન્યા બાદ 6 મહિનામાં રકમ કમાઈ લેશે. 8 લાખમા સોદો, વોટ્સએપ કોલિંગથી માનસિક ટોર્ચર લાંબી રકઝક બાદ 8 લાખમાં સોદો નક્કી થયો હતો. 25 માર્ચ, 2026એ કિરણચોક પાસે 2.50 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ 20,000 ATMમાંથી અને 30 હજાર મળીને 50 હજાર બીજા હપ્તા તરીકે આપ્યા હતા. કુલ 3 લાખ લીધા બાદ પણ આરોપીઓ વધુ 2 લાખ માંગતા હતા અને વારંવાર વોટ્સએપ કોલથી માનસિક ટોર્ચર કરતા હતા. છેલ્લી ઘડીએ પત્નીને મેન્ડેટ આપ્યું, પણ ફોર્મ ચકાસણીમાં ખેલ ખેલાયો પક્ષની યાદીમાં નામ ન આવતા ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમણે પત્નીને ટિકિટ આપવાની ખાતરી આપી રાત્રે 10:45 વાગ્યે ફોર્મ ભરાવ્યું હતું. અંકુર હિરપરાએ મેન્ડેટ તૈયાર કર્યું હતું, પરંતુ ચકાસણીમાં તે ખોટું નીકળ્યું હતું. રામભાઈ ધડુકે રજૂઆત કરી અને સમય પસાર કરાવતા અન્યનું મેન્ડેટ મંજૂર થયું, જેથી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી. આરોપીઓ ભૂગર્ભમાં, પોલીસ કાર્યવાહીની માગ આ કૌભાંડમાં ઓમપ્રકાશ અને આકાશ મિશ્રા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પૈસા માંગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાર્યવાહી માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
