હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આજે ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેને પગલે આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. (4 સપ્ટેમ્બરના વરસાદની પળેપળની અપડેટ) 12 જિલ્લામાં છુટા છવાયા વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ
ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યું મુજબ, ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 4 સપ્ટેમ્બર, 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50થી 70 ટકા વચ્ચે, જ્યારે 17 ડેમ 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યમાં 96 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-ખરીફ વાવેતર પૂર્ણ
કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા 01 સપ્ટેમ્બર, 2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29 ટકા વિસ્તારમાં ખરીફ-ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ અને ત્રીજા ક્રમમાં 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!