વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન, ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ સાથે કાયમી ઉકેલની કરી માંગ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાણા ગામમાં ગટરની પાઇપલાઇન ફાટવાની સમસ્યાના કારણે મુખ્ય માર્ગની હાલત કથળી ગઈ છે. પાઇપલાઇનમાંથી સતત ગંદુ પાણી રસ્તા પર વહેતા માર્ગ પર પાણી ભરાઈ રહે છે, જેના કારણે રસ્તો ધોવાઈ જતાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે.

મુખ્ય માર્ગ પર ગટરનું પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો હોવાની સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, સમસ્યા લાંબા સમયથી યથાવત હોવા છતાં ગટરની પાઇપલાઇનનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે ગંદુ પાણી માર્ગ પર ફેલાતું રહે છે અને રસ્તાની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ બની રહી છે.

સ્થાનિકોએ સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ કરાવી રસ્તા પરથી પાણીનો નિકાલ કરવા તેમજ બિસ્માર માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવારની હાલાકી છતાં જો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર રવિયાણા ગામની આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોને પડતી હાલાકીમાંથી ક્યારે મુક્તિ અપાવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!