રાધનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
આ કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ખાસ કરીને નગરપાલિકા વોર્ડ-૧ના મોટાઠાકોરવાસ, ગુલશન કોલોની, ઝાપટપરા અને સિંધીવાસ જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

કેટલાંક મકાનો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે. આ કારણે અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને આજે રાધનપુર નગરપાલિકા વોર્ડ-૧ની કાઉન્સિલર જયાબેન ઠાકોર, લઘુમતી સેલના પ્રમુખ શેરખાન બલોચ, મહિલા શહેર પ્રમુખ સમીરાબેન ઘાંચી, લાલાભાઇ પ્રજાપતિ તેમજ મહિલા ઉપપ્રમુખ લીલાબેન મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

સ્થળ મુલાકાત દરમિયાન જયાબેન ઠાકોરે નાગરિકોની વેદના સાંભળવાની સાથે નુકસાન થયેલ મકાનો અને પાણી ભરાયેલી ગલીઓની પરિસ્થિતિ પણ નિહાળી.
ઘણા પરિવારોના ઘરોમાં પાણી ઘુસતા તેમના ખોરાકના સામાન તેમજ ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
કેટલાક વિસ્તારોમાં તો પાણીના કારણે લોકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
જયાબેન ઠાકોર સાથે એમની ટિમ અને સ્થાનિક આગેવાનોએ તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી.
સાથે જ તેમણે પોતાનાં સ્તરે અસરગ્રસ્ત પરિવારોને ખાવા-પીવાની વ્યવસ્થા કરાવી આપી હતી.
કેટલાંક પરિવારોને રહેવાની તાત્કાલિક સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
સ્થાનિક નાગરિકોએ કોંગ્રેસ આગેવાન જયાબેન ઠાકોર તેમજ તેમની ટિમ દ્વારા રૂબરૂ મુલાકાત અને તાત્કાલિક કરવામાં આવેલી આ સહાયને દિલથી આવકારી હતી. નાગરિકોએ જણાવ્યું કે મુશ્કેલ ઘડીએ આગેવાનો અને કાર્યકરો સ્થળ પર પહોંચીને જે રીતે મદદરૂપ બન્યા છે તે પ્રશંસનીય છે.
ભારે વરસાદથી થયેલ આ નુકસાન અંગે નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છે.
હવે લોકો સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સુવ્યવસ્થિત રાહત કામગીરી હાથ ધરવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

