પાટણના જલચોક-દુખવાડા વિસ્તારના વિનોદકુમાર કરલીયાને અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં PM-JAY હેઠળ મળી સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર
આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો માટે આરોગ્ય સારવારનો ખર્ચ મોટો પડકાર બની રહે છે. આવા સંજોગોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે. પાટણ જિલ્લાના જલચોક-દુખવાડા વિસ્તારમાં રહેતા વિનોદકુમાર શંકરલાલ કરલીયા માટે પણ આ યોજના મુશ્કેલીના સમયમાં જીવનદાયી સાબિત થઈ છે.
વિનોદકુમારને હૃદય સંબંધિત સારવારની જરૂરિયાત ઊભી થતાં તેમને PM-JAY યોજના હેઠળ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર નો લાભ મળ્યો હતો. યોજના હેઠળ જરૂરી તબીબી તપાસ અને સારવાર બાદ તેમનું હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તબીબોની સારવાર અને આરોગ્ય કર્મચારીઓની કાળજીથી ઓપરેશન સફળ રહ્યું હતું.
સારવાર બાદ વિનોદકુમારની તબિયતમાં સુધારો થતાં તેઓ હવે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમણે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, “PM-JAY યોજના હેઠળ મને હૃદયની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક મળી છે. બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સારી સારવાર, માર્ગદર્શન અને કાળજી આપવામાં આવી હતી. મારું ઓપરેશન સફળ રહ્યું અને આજે હું સ્વસ્થ છું.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગંભીર બીમારીની સારવાર દરમિયાન સૌથી મોટી ચિંતા સારવારના ખર્ચની હોય છે. પરંતુ PM-JAY યોજનાના કારણે તેમને સારવારના ખર્ચની ચિંતા કર્યા વિના જરૂરી સારવાર મળી શકી હતી. તેમણે આ યોજના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગંભીર બીમારી સામે આર્થિક ચિંતા હળવી
PM-JAY જેવી આરોગ્યલક્ષી યોજનાઓના માધ્યમથી પાત્ર લાભાર્થીઓને ગંભીર બીમારીઓની સારવાર માટે આર્થિક સહાય અને કેશલેસ સારવારની સુવિધા મળી રહી છે. વિનોદકુમાર કરલીયાની સફળ હૃદય સારવાર અને ઓપરેશન બાદનું સ્વસ્થ જીવન PM-JAYના લાભ અંગેનો એક વ્યક્તિગત અનુભવ રજૂ કરે છે.
“સારવારનો ખર્ચ પરિવાર માટે બોજ ન બને અને જરૂરિયાતમંદ દર્દીને સમયસર સારવાર મળી રહે” તે દિશામાં આવી આરોગ્ય યોજનાઓ અંગે જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ બની રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
