લોકસભા વિસ્તાર મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સાંસદ ખેલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણાથી પ્રેરિત છે. આ મહોત્સવ યુવાનોને રમતગમત તરફ આકર્ષિત કરવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.આ મહોત્સવમાં 29 ઑગસ્ટ થી 20 સપ્ટેમ્બર સુધી ખેલાડીઓ પોતાનું રજિસ્ટ્રેશન sansadkhelmahotsav.in વેબસાઈટમાં કરાવી શકશે. મહોત્સવ 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. આ દરમિયાન આઠ વિવિધ રમતોમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કબડ્ડી, ખોખો, યોગાસન, બેડમિન્ટન, કુસ્તી, એથ્લેટિક્સ, હેન્ડબોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. આ રમતો દ્વારા વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓને તેમની શારીરિક ક્ષમતા અને કૌશલ્યને બહાર કાઢવાની તક મળશે. સાંસદ હરિભાઈ પટેલે વિસ્તારના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને આ મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું, “આ માત્ર એક ખેલ મહોત્સવ નથી, પરંતુ યુવાનોને ખીલવવાનો અને તેમને રમતગમતના માધ્યમથી તંદુરસ્ત અને સક્રિય બનાવવાનો પ્રયાસ છે. વડાપ્રધાનજીના ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને અનુરૂપ આ પહેલ યુવા પેઢીને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરશે. “આ મહોત્સવ દ્વારા વિસ્તારમાં રમતગમતનું વાતાવરણ વધુ મજબૂત બનશે અને ભાવિ ક્રીડા રત્નોને જન્મ આપશે. આ મહોત્સવમાં ભાગ લેવા અને વધુ માહિતી માટે સાંસદ કાર્યાલયનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. આ પહેલથી મહેસાણા વિસ્તારમાં યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધશે અને તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રજૂ કરી શકશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
