રાધનપુર તાલુકાના સરદારપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જગદમ્બા રેસીડેન્સીમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

 

વરસાદી પાણી ઘરો અને માર્ગોમાં ઘૂસી જતા રહીશો માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.

 

સોસાયટીના પ્રમુખ વિષ્ણુભાઈ પુરોહિત દ્વારા પરિસ્થિતિની ગંભીરતા અંગે તાત્કાલિક રીતે ગામના સરપંચ તેમજ તલાટીશ્રીને જાણ કરવામાં આવી હતી.

છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાથી રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે જ્યારે પણ આવી સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર માત્ર કાગળ ઉપર કામ પૂરું કરે છે, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

સમયસર મદદ ન મળતા રહેવાસીઓએ રાધનપુર નગરપાલિકા વોર્ડ–૧ના કોંગ્રેસના નગરસેવક જયાબેન ઠાકોરનો સંપર્ક કર્યો.

જયાબેન ઠાકોરે સમસ્યાને ગંભીરતાથી લઈને તરત જ JCB મશીન બોલાવી પાણી નિકાલની કામગીરી શરૂ કરાવી.

એટલું જ નહીં, તેમણે સિંચાઈ વિભાગ ડીસા તેમજ રાધનપુર TDO સાહેબશ્રીને ટેલિફોનિક રીતે વાત કરીને સહાયતા માગી હતી.

તેમના હસ્તક્ષેપ બાદ તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરાતા સોસાયટીના રહીશો ભારે પરેશાનીમાંથી મુક્ત થયા હતા.

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, “સતત વરસાદ બાદ જગદમ્બા રેસીડેન્સી પાણીમાં ગરકાવ થઈ જતી હોય છે, પરંતુ ગ્રામ પંચાયત અને તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર ટાળટૂક કરે છે.

આ વખતે પણ સમયસર કોઈ કાર્યવાહી ન થતાં અમને ખુબ મુશ્કેલી પડી હતી.”

આ બનાવે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે વહીવટી તંત્ર લોકોની સમસ્યાઓ પ્રત્યે ગંભીર નથી.

સોસાયટીના રહીશોમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ કાયમી નિકાલ માટે તંત્રે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

બીજી તરફ નગરસેવક જયાબેન ઠાકોરના ઝડપી હસ્તક્ષેપ અને જવાબદાર વલણની રહીશોએ પ્રશંસા કરી હતી.

પ્રશ્ન એ છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં આવો જ દ્રશ્ય જોવા મળે છે, છતાં તંત્ર શા માટે અગાઉથી જ આયોજન કરી લોકોને મુશ્કેલીમાંથી બચાવતું નથી? સ્થાનિકો હવે તંત્ર પાસે કાયમી ઉકેલની માંગણી કરી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!