સાંતલપુર તાલુકા સહિતના સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ સતત લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. 

છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે ૭૧ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી અને સમગ્ર તાલુકો અંધકારમય બની ગયો હતો. 

જોકે, તંત્રની સતર્કતા અને યુજીવીસીએલ-પિજીવીસીએલની ટિમોની જહેમતથી માત્ર ચાર દિવસમાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. 

તે સમયે લોકોએ તંત્રની કામગીરીને વખાણી હતી.

પરંતુ હવે જ્યારે વરસાદ શમી ગયો છે અને સામાન્ય પરિસ્થિતિ છે ત્યારે નાની-નાની ખામીઓનું નિવારણ ન થતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

સાંતલપુર સહિતના વિસ્તારોમાં વરસાદના બે છાંટા પડતાં જ વીજ પુરવઠામાં ફોલ્ટ સર્જાઈ જાય છે અને કલાકો સુધી લાઇટ ગુલ રહે છે.

આ સમસ્યાના મુખ્ય કારણ તરીકે સ્થાનિક લાઈનમેન અને હેલ્પરોની બેદરકારી સામે આંગળી ઊઠી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સામાન્ય ખામીનું નિવારણ કરવામાં કર્મચારીઓ ગાફલત દાખવે છે. સમયસર કામગીરી ન થતાં રોજિંદા જીવનમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

વીજળી વિના શાળા, દવાખાના, નાના-મોટા ઉદ્યોગો તથા સામાન્ય ઘરેલુ જીવન ઉપર ભારે અસર પડી રહી છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓની ઓનલાઇન અભ્યાસક્રમો તથા વ્યવસાયિક વર્ગ માટે આ સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.

વીજ વિભાગ દ્વારા ભારે વરસાદ દરમિયાન ઝડપથી કામગીરી કરીને સમગ્ર તાલુકાના ગામોને રાહત અપાઈ હતી, પરંતુ હવે સામાન્ય સ્થિતિમાં પણ જો નાની સમસ્યાઓને ગંભીરતાથી ઉકેલવામાં આવતી નથી તો તે તંત્રની કાર્યપદ્ધતિ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી છે કે સાંતલપુર વિસ્તારમાં વીજ પુરવઠાની સામાન્ય ખામીનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે અને લાઈનમેન તથા હેલ્પરો પોતાની જવાબદારી નિભાવવામાં સચેત થાય.

સાંતલપુરની વીજ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તો જ પ્રજાજનોને સાચી રાહત મળી શકે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!