રાધનપુર શહેરમાં બનેલી ઘટના 17-09-2025 ના રોજ બનેલી દુર્ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક નિર્દોષ વ્યક્તિએ કરૂણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ દુર્ઘટનાએ શહેરમાં ચિંતાની લાગણી વ્યાપી દીધી છે. 

સ્થાનિક નાગરિકોમાં તંત્રની બેદરકારી અંગે ભારે રોષ જોવા મળ્યો છે.

આ વચ્ચે રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈએ મૃતકના પરિવાર પ્રત્યે ઊંડું દુઃખ વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રી તેમજ પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને પત્ર લખી મૃતકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી સત્તાવાર માંગણી કરી છે.

પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ તેમના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, આવી દુર્ઘટના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે જીવનભરનો આઘાત બની રહે છે.

પરિવારના મુખ્ય કમાઉ સભ્યના અવસાનથી પરિવારના જીવનનિર્વાહ પર ગંભીર અસર પડે છે.

આવી સ્થિતિમાં સરકાર તરફથી તાત્કાલિક સહાય જરૂરી બની રહે છે.

આર્થિક સહાયથી પરિવારને સંકટમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે.

તેમણે એ પણ જણાવ્યું કે, રાધનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો રહેતા અકસ્માતોની શક્યતા હંમેશા મંડરાતી રહે છે.

નાગરિકો ખાસ કરીને વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આવી ગટરો જીવલેણ સાબિત થઈ શકે છે.

તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવવી જોઈએ, પરંતુ બેદરકારીને કારણે દુર્ઘટના બનેલી હોવાની ગંભીરતા અવગણવાની નથી.

રઘુભાઈ દેસાઈએ નગરપાલિકા અને સંબંધિત વિભાગોને તાકીદ કરી છે કે, શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લી ગટરો છે ત્યાં તરત જ મજબૂત ઢાંકણાં મુકવામાં આવે.

લોકોના જીવન સાથે રમખાણ ન થાય તે માટે તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

સ્થાનિક નાગરિકોએ પણ પૂર્વ ધારાસભ્યની માંગને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. 

લોકોની એકજૂટ માંગ છે કે, મૃતકના પરિવારને આર્થિક સહાય મળે અને સાથે સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા શહેરની ગટરોને સુરક્ષિત બનાવવામાં આવે.

આ ઘટના ફરી એક વાર તંત્રની બેદરકારી પર સવાલ ઉભા કરે છે અને જાહેર જીવનની સુરક્ષા માટે કાર્યક્ષમ આયોજનની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!