સહાયના ધોરણમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં : કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
આપ સૌ ચિંતા ના કરો, સરકાર હંમેશાં તમારી પડખે છે :- મંત્રીશ્રી રાઘવજી પટેલ
પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનની પરિસ્થિતિનો જાતે જ અભ્યાસ કરવા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કૃષિ મંત્રીશ્રીની રાધનપુર તાલુકાના ચલવાડા, મહેમદાવાદ અને ભીલોટ ગામની મુલાકાત
કૃષિ મંત્રીશ્રીએ ચલવાડા, મહેમદાવાદ અને ભીલોટ ગામની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું.
ગામોની મુલાકાત સમયે ગ્રામજનો દ્વારા ઘાસચારો, પાક નિષ્ફળતા, રાહત પેકેજ તથા કાયમી ધોરણે પાણીના નિકાલ અંગેની રજૂઆત મંત્રી સમક્ષ કરી હતી. મંત્રીશ્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયો છે અને પશુપાલકોને પણ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ધોરણમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. ઉપરાંત કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેના કાયમી ધોરણે નિકાલ માટે અમે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે ધ્યાન મૂકીશું અને ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ધોરણે હલ લાવશું.
મંત્રીશ્રીએ સાંતલપુર તાલુકાના નલિયા અને કલ્યાણપુરા ગામોની મુલાકાત લીધી
નલિયા
કૃષિ મંત્રીશ્રી દ્વારા નલિયામાં આવેલ પૂરના લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા. આવા દુખદ પ્રસંગે મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. કૃષિ મંત્રીશ્રી દ્વારા પીડિત પરિવારને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ગામલોકોએ પાક નિષ્ફળ ગયો જેના લીધે ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને શિયાળુ પાકન તેમજ પાણી ના કાયમી નિકાલ માટેની રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ રજૂઆતના સંદર્ભમાં જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના લીધે ચોમાસા પાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાંથી વહેલી તકે બહાર આવે તે માટે વહેલામાં વહેલી તકે સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
કલ્યાણપુરા
મંત્રીશ્રીએ કલ્યાણપુરાની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. અને મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સરહદી વિસ્તારોના નાગરિકોની પડખે ઊભી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોના ખેડૂતો માટે વિશેષ ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા યોગ્ય સહાય પુરી પાડવામાં આવશે.
આ પ્રસંગે રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, સ્થાનિક આગેવાનો, વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
