કચરો લઈ નગરપાલિકા ઓફિસે પહોંચ્યા

રાધનપુર શહેરના વોર્ડ નંબર એકના અર્ગોસર તળાવ વિસ્તારની લાંબા સમયથી ચાલી રહેલી ગંદકીની સમસ્યાને લઈને આજે નગરપાલિકા કચેરીએ અનોખો વિરોધ જોવા મળ્યો હતો.

નગરસેવક જયા ઠાકોરે સ્થાનિક બહેનો, રહીશો તથા કાર્યકર્તાઓ સાથે મળી જાતે જ કચરો એકત્રિત કરી નગરપાલિકાની ઓફિસમાં ઠાલવી તંત્રને ચેતવણી આપી હતી.

લાંબા સમયથી રજૂઆત છતાં કાર્યવાહી નહીં

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગંદકીના ઢગલા જમા થતા હોવાના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે.

નગરસેવક જયા ઠાકોરે અનેક વખત લેખિત રજૂઆત, તેમજ ટેલિફોનિક રજૂઆત પણ કરી હતી.

તેમ છતાં નગરપાલિકા તરફથી સફાઈની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. 

પરિણામે આજે જયા ઠાકોરે જાતે જ સફાઈ અભિયાન હાથ ધરી નગરપાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.

મહિલાઓનો ઉગ્ર આક્રોશ

આ વિરોધ કાર્યક્રમમાં માઇનોરિટી સેલના પ્રમુખ શેરખાન બલોચ, મહિલા શહેર પ્રમુખ સમીરાબેન તથા વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મહિલાઓએ જણાવ્યું હતું કે ગંદકીના કારણે ઘરોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે.

ઘણા લોકો હોસ્પિટલે ધક્કા ખાઈ રહ્યા છે, કેટલાક દર્દીઓ તો એડમિટ પણ છે.

તેઓએ સવાલ ઉઠાવ્યો કે દવાખાનાનો ખર્ચ નગરપાલિકા ઉપાડશે?

મહિલાઓએ વધુમાં આક્ષેપ કર્યો કે વિસ્તાર આસપાસ દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ જોવા મળે છે.

રાત્રે બેન દીકરીઓ બહાર નીકળે ત્યારે ડર લાગે છે. 

કચરાને કારણે લોકોને વારંવાર ઝઘડાની પરિસ્થિતિ ઊભી થાય છે. 

નગરપાલિકા પાસે અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કામગીરી હાથ ધરાતી નથી.

નગરપાલિકા ઓફિસમાં કચરો ઠાલવી ચેતવણી

જયા ઠાકોરે પોતે જ ટીમ સાથે મળીને વિસ્તારની ગંદકી સાફ કરી ટ્રેક્ટરભર કચરો એકત્ર કર્યો અને સીધો નગરપાલિકાની ઓફિસમાં ઠાલવી તંત્ર સામે ચિમકી ઉચ્ચારી હતી.

તેમણે જણાવ્યું કે, “જો આવનારા દિવસોમાં નિયમિત સાફ–સફાઈ નહીં કરવામાં આવે તો દરેક વોર્ડમાંથી કચરો ટ્રેક્ટરભરી નગરપાલિકાની ઓફિસમાં ઠાલવવામાં આવશે.”

તંત્ર સામે સવાલો

આ સમગ્ર ઘટનાએ નગરપાલિકા તંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

રહીશો કહે છે કે કરચુકવણી છતાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.

ગંદકીના કારણે વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર ટૂંક સમયમાં જાગૃત નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!