ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટેની સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી શકે છે. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. આજે સવારે રાજ્યપાલને મુખ્યમંત્રી જુના મંત્રીમંડળના રાજીનામાં આપશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે. સવારે 9:00 વાગ્યાની આસપાસ રાજ્યપાલને મુખ્યમંત્રી મળવા જાય તેવી શક્યતા છે.
