સુરતથી ઘોઘંબા દિવાળી પર્વની ઉજવણી કરવા જઈ રહેલા 19 વર્ષીય યુવકનું વડોદરા નજીક નેશનલ હાઇવે પર દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે ટ્રકની ટક્કરે મોત થયું છે, જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હરણી પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક પંકજ અને અન્ય શખસ બાઇક લઇને ઘરે આવતા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બેદરકારીથી ટ્રેલર ચલાવીને મોટર સાઇકલને ટક્કર મારી ચાલક ફરાર
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાતલીયા ગામના રહેવાસી તખતભાઈ શંકરભાઈ બારીયા (ઉંમર 38 વર્ષ)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે(18 ઓક્ટોબર) શનિવારે મોડીરાત્રે તેમના સાળા પંકજભાઈ છત્રસિંહ બારીયા (ઉંમર 19 વર્ષ, રહે. પાદેડી (ઝાબકુવા), તા. ઘોઘંબા, જિ. પંચમહાલ)નું દરજીપુરા એરફોર્સ બ્રિજ પર થયેલા અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને મોટર સાઇકલને ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અન્ય સંબંધીઓ ઈકોમાં અને મૃતક અને અન્ય શખસ બાઇક પર વતન પરત ફરી રહ્યા હતા
તખતભાઈ અને તેમના સાળા પંકજભાઈ સહિત ગામના અન્ય લોકો સુરતમાં સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. દિવાળીના તહેવારને કારણે તેઓ વતન પરત ફરી રહ્યા હતા. તખતભાઈ અને અન્ય સંબંધીઓ ઇકો વાનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે પંકજભાઈ અને તેમના ગામના અશ્વિનભાઈ રમેશભાઈ બારીયા ટીવીએસ કંપનીની અપાચે મોટરસાયકલ (નંબર GJ-17-CH-8918) પર સવાર હતા. ટ્રાફિકને કારણે તેમની બાઇક આગળ નીકળી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિએ ફોન કરી અકસ્માતની જાણ કરી
તખતભાઈ કરજણ હાઈવે પર હતા, ત્યારે રાત્રે આશરે 7 વાગ્યે અશ્વિનભાઈના મોબાઈલથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને અકસ્માતની જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ તરફથી પણ ફોન આવ્યો હતો કે, ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તખતભાઈ અને અન્ય લોકો એક કલાક પછી દરજીપુરા બ્રિજ પર પહોંચ્યા, ત્યારે ટ્રેલર (નંબર HR-46-E-1619) ઉભું હતું. અકસ્માતમાં પંકજને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત
આસપાસના લોકોએ તેમને જણાવ્યું હતું કે, ટ્રેલરના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી. મોટરસાયકલ બ્રિજના ઉપરના ભાગે પડેલી હતી. સયાજી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં પંકજને ગંભીર ઇજા થઈ હતી અને રાત્રે 7.30 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અશ્વિનભાઈને સામાન્ય ઇજા થઈ હતી. હરણી પોલીસે અકસ્માતના કેસમાં તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. દિવાળી કરવા ઘરે જતા સમયે અકસ્માતમાં મોત
તખતભાઈ બારીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પંકજના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તે સુરતમાં મારી સાથે કામ કરતો હતો. અમે સુરતથી દિવાળી કરવા માટે ઘરે જઈ રહ્યા હતા, તે સમયે વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ બ્રિજ પર ટ્રક ચાલકે ટક્કર મારતા મારા સાળાનું મોત થયું છે. જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!