બસસ્ટેન્ડ નજીક ખોદકામ બાદ ખાડા ન પુરાતા રીક્ષા ખાડામાં પટકાઈ — જીવહાની ટળી, રોષમાં નાગરિકો

રાધનપુર શહેરના મુખ્ય માર્ગો છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે. 

 

 

નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ખોદકામ કરીને રોડની સમારકામની કામગીરી શરૂ તો કરી, પરંતુ ખાડા પુરાવાની પ્રક્રિયા અધૂરી રાખતા હવે શહેરના રસ્તા જીવ જોખમી બની ગયા છે.

આવા જ એક ખાડાએ આજે સવારે મોટો અકસ્માત સર્જ્યો, જોકે સદનસીબે જીવહાની ટળી.

મીરાં દરવાજા વિસ્તારના વતની જાકીરહુસેન ઇમામભાઈ ઘાંચી રોજગાર માટે રીક્ષા ચલાવે છે.

દરરોજની જેમ તેઓ મુસાફરો સાથે રીક્ષા લઈને નીકળ્યા હતા. રીક્ષા નોર્મલ સ્પીડમાં બસસ્ટેન્ડ રોડ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ખાડો આવતાં રીક્ષા સંતુલન ગુમાવી તે ખાડામાં પટકાઈ ગઈ.

રીક્ષાનો એક ટાયર બહાર નીકળી ગયો અને એક્સલ તૂટી જતા વાહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું.

જાકીરહુસેનભાઈએ જણાવ્યું કે, “આ રસ્તો બે દિવસ પહેલાં જ નગરપાલિકાએ ખોદ્યો હતો, પણ ખાડા પુરાયા નહોતા.

રીક્ષા ખાડામાં પડી જતાં ₹1500 જેટલું નુકસાન થયું છે. ગરીબ પરિવારે માટે આ રકમ ભારે છે, તેથી નગરપાલિકાએ નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.”

સ્થાનિક નાગરિકો પણ નગરપાલિકાની આ બેદરકારીથી નારાજ છે. 

રહેવાસીઓએ જણાવ્યું કે, “રાધનપુરના રસ્તા નગરપાલિકાની લાપરવાહીનું પ્રતિબિંબ છે. 

રાત્રિના સમયે તો આ ખાડાઓમાં અકસ્માત થવાની સંભાવના વધારે છે.

અનેક વાર રજૂઆત છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી.”

અન્ય નાગરિકોનો પણ એવો આક્ષેપ છે કે શહેરના અનેક વિસ્તારોમાં રોડ ખોદકામ પછી લાંબા સમય સુધી ખાડા પુરાતા નથી.

બસસ્ટેન્ડ વિસ્તાર, મીરાં દરવાજા રોડ, મુખ્ય બજાર રોડ સહિત અનેક વિસ્તારોમાં આવી જ સ્થિતિ છે.

આ ઘટના બાદ વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોરએ ફેસબુક પર પોસ્ટ કરીને નગરપાલિકાની સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે,

“હમણાં હમણાં રાધનપુર નગરપાલિકાનું નિધન થયેલ હોવાથી ટૂંક સમયમાં બેસણું રાખવામાં આવશે, સૌએ હાજરી આપવી.”

આ પોસ્ટ બાદ નગરજનોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં નગરપાલિકાની સામે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને તાત્કાલિક રોડ મરામતની માંગણી કરી છે.

સ્થાનિક વેપારીઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે કે બસસ્ટેન્ડ વિસ્તાર શહેરનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે. જો નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં મોટા અકસ્માતો સર્જાવાની પૂરી શક્યતા છે.

રાધનપુર નગરપાલિકાની બેદરકારીને કારણે હવે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકોએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક ખાડા પુરવાની અને નગરના રોડની સુધારણા કરવાની કાર્યવાહી શરૂ કરે, એવી લોક માંગ ઉઠી છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!