ભારતભૂમિ એટલે જાણે દિવ્ય ચમત્કારોની ભૂમિ.
ઐઠોરા ગણેશ તેમના અનેક પરચાઓ અને ચમત્કારો માટે પ્રખ્યાત છે.

શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દાદાના દર્શન કરી ધન્ય બને છે.
આશરે 1200 વર્ષ જુનું સોલંકી સમયનું આ મંદિર દાદાના અનેક ચમત્કારો સાથે સંકળાયેલું છે.
આજના દિવસે અનેક વૃદ્વ વ્યક્તિઓના મોઢેથી અને અનેક જગ્યાએ સાંભળેલી વાતો – લોકવાયકા મુજબ આશરે 400 વર્ષ પૂર્વે મહા વદ ચોથની મોડી રાત્રે ઐઠોરના પ્રાચીન શ્રી ગણપતિ મંદિરના શિખર પર સોનાથી મઢેલ ઘડાને બહારના ચોર આવીને ચોરી ગયા, પણ દાદાની જીવંત દિવ્ય હાજરીના પ્રતાપે તેઓ રેલવે સ્ટેશન (ભોંઠા) વિસ્તાર આગળ વધતા ઐઠોરની જમીનમાર્ગી સરહદ ઓળંગતા જ તે બધા ચોરોને આંખે દેખાતું બંધ થઇ જતુ અને પાછા ઐઠોરની સરહદમાં આવે તો આંખે દેખાવાનું ચાલુ થઇ જતુ.
આમ વારંવાર વહેલી સવાર સુધી ચાલ્યા કર્યું.
ચોર કોઈ પણ ભોગે આવેલ ચોરીનો માલ જવા દેવા તૈયાર નહોતા પણ દાદાનો દિવ્ય પરચો સમજી ગભરાઈ ગયા અને તે ઘડાને ત્યાં જ મૂકીને ત્યાંથી ભાગી ગયા.
અજવાળું થતા ઐઠોર ગામના ગામ તળાવની બાજુમાં રહેતા ઠાકોરભાઈ ને આ ઘડો પડ્યાની જાણ થતા તુરંત તેઓ ગામના અગ્રણીઓને આ વાતની જાણ કરી.
સૌ ભાવુક થઇ દાદાનો પરચો માની શ્રદ્ધાપૂર્વક પોતાનો કામધંધો અને દુકાન બંધ રાખી ઢોલ-નગારા વગાડી મોટી શોભાયાત્રા કાઢી સન્માન પૂર્વક તે ઘડાને ગામમાં લાવી ફરીથી મંદિરમાં લગાવ્યો.
લાંબા વર્ષે સમય વીતતા મંદિરનો અનેક બાજુ નવા સ્વરૂપમાં ફેરફારો સાથે વિકાસ થયો.
ત્યારથી માંડી આજ સુધી તે મહા વદ પાંચમની દાદાના ચમત્કારીક પરચાને કાયમી યાદ રાખવા દર વર્ષે આ તિથિ એ આખા ઐઠોરના ગ્રામજનો પ્રેમથી પોતાની દુકાન, ઘંટી, ગલ્લા, કરિયાણા વાળા બધા આખો દિવસ સન્માન ભેર બંધ રાખે છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
