પાટણમાં આમ આદમી પાર્ટીને સંગઠનાત્મક ઝટકો
બે સિનિયર કાર્યકરોના રાજીનામાથી રાજકીય ચર્ચા ગરમાઈ

પાટણ : આમ આદમી પાર્ટી પાટણ જિલ્લામાં સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યા છે. પાર્ટીના બે સિનિયર અને લાંબા સમયથી સક્રિય રહેલા કાર્યકરો દ્વારા રાજીનામા આપવામાં આવતા જિલ્લાની રાજકીય પરિસ્થિતિમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
પાર્ટીના મહત્વના કાર્યકર વજાભાઈ આહિરે ગત રોજ આમ આદમી પાર્ટીમાં ધરાવતા તમામ રાજકીય હોદાઓ પરથી રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. સાથે સાથે તેમને સોંપવામાં આવેલી વિધાનસભાના સહ-પ્રભારી સહિતની તમામ જવાબદારીઓમાંથી પણ તેમણે પોતે અલિપ્ત થવાનો નિર્ણય કર્યો છે. વજાભાઈ આહિરે પોતાના રાજીનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હવે કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાં જોડાયેલા નથી તેમજ ભવિષ્યમાં પણ રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે પાર્ટી સાથે સંકળાયેલા કોઈપણ કાર્ય માટે પોતાનો સંપર્ક ન કરવા પણ વિનંતી કરી છે.
તેની સાથે જ આમ આદમી પાર્ટીના કિશાન સેલના પૂર્વ પ્રમુખ, પૂર્વ તાલુકા પ્રમુખ તથા પૂર્વ સંગઠન મંત્રી તરીકે જવાબદારીઓ સંભાળી ચૂકેલા બાબુભાઈ રામાભાઈ હૂંબલે પણ પાર્ટીના સભ્યપદ સહિત તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે. બાબુભાઈ હૂંબલે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાર્ટી માટે સતત કાર્ય કર્યું હતું. રાજીનામા સમયે તેમણે પાર્ટી દ્વારા આપવામાં આવેલી તક અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
બે અનુભવી અને ઓળખાતા કાર્યકરોના એકસાથે રાજીનામાથી આમ આદમી પાર્ટી પાટણ જિલ્લાના સંગઠન પર તેની અસર પડશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને કિશાન સેલમાં પાર્ટીની કામગીરી પર આ રાજીનામાની અસર પડશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
પરંતુ આંતરિક સ્તરે સંગઠનને મજબૂત રાખવા માટે ચર્ચાઓ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા નવી નિમણૂકો કે સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવે છે કે કેમ તે પર સૌની નજર મંડાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
