રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૩માં આવેલા ગ્રીનપાર્ક વિસ્તાર, નાલંદા સ્કૂલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદા પાણીના ભરાવને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.

નગરપાલિકા ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં મૂળભૂત સુવિધાઓ જેવી કે સાફ–સફાઈ અને ગટર નિકાલ બાબતે પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનું સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર ના આક્ષેપ, વિસ્તારમાં ગટરનું પાણી નજીકના પડતર પ્લોટમાં તલાવડી સ્વરૂપે ભરાઈ ગયેલ છે, જેના કારણે આસપાસના રહેણાંક મકાનોની પાયાને ગંભીર નુકસાન પહોંચવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ યથાવત રહે તો ૪ થી ૫ મકાનો ધરાશાયી થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.
ગંદા પાણી અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળા ફેલાવાનો ભય પણ સર્જાયો છે. સાથે જ રોજિંદા ઘરોમાં સાપ, વીંછા સહિતના ઝેરી જીવજંતુઓ નીકળતાં લોકો ભયના માહોલમાં જીવન જીવવા મજબૂર બન્યા છે. નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્યને લઈને રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રીતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા તંત્રની આ બેદરકારી સામે હવે રહીશોનો આક્રોશ બહાર આવી રહ્યો છે. અંતે રહીશોએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને આક્રમક શબ્દોમાં લેખિત અરજી આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
રહિશોએ પોતાની અરજીમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સાફ–સફાઈ કરી ગટરનાં ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન સાથે નગરપાલિકાનો ઘેરાવો કરવા મજબૂર બનશે. સાથે જ પાલિકા તંત્ર જો સમસ્યા ઉકેલવામાં અસમર્થ હોય તો તે અંગે લેખિતમાં જાણ કરવાની પણ માગ કરી છે, જેથી પ્રજા સ્વખર્ચે પોતાના મકાનોના રક્ષણ માટે પગલાં લઈ શકે.
હાલ નગરપાલિકા તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે રાધનપુર નગરપાલિકા આ ગંભીર પ્રશ્નને ક્યારે અને કેવી રીતે ઉકેલે છે, કે પછી રહીશોને રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાનો વારો આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
