રાપર તાલુકાના સુખપર ગામમાં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેમજ કામ ધોરણો મુજબ કરવામાં આવતું નથી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ આ મુદ્દે તલાટી કમ મંત્રી અને સરપંચને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ થોડા દિવસ માટે કામ બંધ રાખવામાં આવ્યું હતું અને ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ ફરીથી અગાઉ જેવું જ મટીરીયલ વાપરીને કામ શરૂ કરાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર પેવર બ્લોક યોગ્ય રીતે સમતલ બેસાડવામાં આવતા નથી, કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે અને જરૂરી દેખરેખ પણ રાખવામાં આવતી નથી. જેના કારણે ભવિષ્યમાં રસ્તાઓ તૂટી જવાની અને સરકારી નાણાંનો દુરુપયોગ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે જીવણભાઈ ભિમાભાઈ આયર સહિત ગામના રહેવાસીઓએ તાલુકા વિકાસ અધિકારી, રાપરને લેખિત રજૂઆત કરીને સ્થળ પર તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તેમજ તકેદારી આયોગ અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવા મજબૂર બનશે.
હાલ સમગ્ર મામલો તાલુકા પંચાયતના ધ્યાન પર લાવવામાં આવ્યો છે અને ગ્રામજનો યોગ્ય તપાસ તથા ગુણવત્તાસભર કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.
The Gujarat Live News અહેવાલ જીવણભાઈ આહીર સુખપર રાપર
