રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર સહિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધરણા અને વિરોધ કાર્યક્રમ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આપવામાં આવેલી બાંહેધરી મુજબ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાધનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ઘાંચી ગુલામરસુલભાઈએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને પડતી ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં લાંબા સમયથી સમસ્યાઓ હતી ત્યાં કામગીરી શરૂ કરાઈ છે અને આગામી દિવસોમાં તેને વધુ વેગ આપવામાં આવશે.
નગરસેવિકા જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શહેરની જનતાના હિતમાં મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા લોકોની માંગણીઓને પ્રાથમિકતા મળી છે, જે આવકારદાયક બાબત છે. જોકે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી જનહિતના મુદ્દાઓ પર નજર રાખવામાં આવશે.
સ્થાનિક રહીશોએ પણ કામગીરી શરૂ થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલની આશા હવે જાગી છે. શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા માટે શરૂ કરાયેલ આ કામગીરીને લોકો સકારાત્મક પગલું ગણાવી રહ્યા છે.
રાધનપુરમાં મહિલાઓના આંદોલન બાદ શરૂ થયેલી આ કામગીરીએ એ સાબિત કર્યું છે કે જનહિતના પ્રશ્નો માટે ઉઠાવવામાં આવેલો લોકઅવાજ તંત્રને નિર્ણય લેવા માટે પ્રેરિત કરી શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
