રથયાત્રા પર્વને અનુલક્ષીને જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પાટણ જિલ્લા પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન એલસીબી પાટણને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) તથા જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે વાદળીથર ગામથી રણ તરફ જતાં માર્ગ પર શંકાસ્પદ મહિન્દ્રા XUV કારનો પીછો કર્યો હતો.
પોલીસનો પીછો થતાં વાહન રસ્તા પરથી ઉતરી જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ કારનો ચાલક સિન્ધી લાલમહંમદ ઉર્ફે લોટો તાજનભાઈ (રહે. વાદળીથર, તા. સાંતલપુર) વાહન સ્થળ પર જ મૂકી બાવળની ઝાડીઓનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,620 બોટલો, અંદાજિત કિંમત રૂ. 2,72,020, મળી આવી હતી. ઉપરાંત દારૂના પરિવહનમાં વપરાયેલી મહિન્દ્રા XUV કાર, કિંમત અંદાજે રૂ. 3 લાખ, પણ કબજે લેવામાં આવી હતી. આમ કુલ રૂ. 5,72,020 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે વારાહી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, પો.સબ.ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, એએસઆઈ દિનેશભાઈ ત્રિભોવનભાઈ તેમજ એલસીબીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
