પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ જાહેર વાંચનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વાંચનાલય ગામના યુવાનોને શાંતિપૂર્ણ અને ગુણવત્તાસભર અભ્યાસનું વાતાવરણ પૂરું પાડશે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વધુ અસરકારક બની શકશે.
લોકાર્પણ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેર જેવી અભ્યાસની સુવિધા મળે તે માટે આવા વાંચનાલયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે યુવાનોને આ સુવિધાનો પૂરતો લાભ લઈ પોતાના જીવનમાં સફળતા હાંસલ કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં યુવા આગેવાન શ્રી રામભાઈ આહિર, પૂર્વ પ્રમુખ શ્રી લગધીરભાઈ ચૌધરી, શ્રી ભાવેશભાઈ આહિર, શ્રી અશોકપુરી ગૌસ્વામી સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ વાંચનાલયને ગામના શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ભેટ ગણાવી હતી અને વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. ગામમાં શરૂ થયેલું આ વાંચનાલય શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે એક નવી પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
