સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના ફ્લેટમાં એકલા રહેતા 84 વર્ષીય એમીબેન મોતીવાલાની હત્યાનો ભેદ ઉકેલાયો. મહિલાએ ચોરીના ઈરાદે વૃદ્ધામાં ઘૂસી હત્યા કર્યાનો ખુલાસો થયો. આરોપી છાયા શાહ તેના 15 વર્ષીય પુત્ર સાથે ભાડાનું મકાન જોવાના બહાને વૃદ્ધાના ફ્લેટમાં ઘૂસ્યા. ફ્લેટમાં ચોરીનો પ્રયાસ કરતા એમીબેને વિરોધ કરતા માથામાં ઈસ્ત્રીના ઘા ફટકાર્યા. ત્યારબાદ કેબલથી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી. પુત્રએ માતાને રોકવા બૂમાબૂમ કરતા આરોપી મહિલા 7 તોલા સોનું મૂકીને જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. પોલીસે ગણતરીના દિવસોમાં જ તેની ધરપકડ કરી. 13 સપ્ટેમ્બરે મોનાલિસા એપાર્ટેમેન્ટમાં શું બન્યું?
સુરતના નાનપુરા વિસ્તારની TTV હાઈસ્કૂલ પાસે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 16માં એમીબેન ઉર્ફે અમીનાબેન મોતીવાલા(84) એકલા જ રહેતા. 13 તારીખે એમીબેનનો ફોન નો રિસિવ થતા નજીકમાં જ રહેતા તેમના બહેન ફ્લેટ પર તપાસ કરવા પહોંચ્યા તો ઘરમાંથી એમીબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાની શોધખોળ હાથ ધરી. પરંતુ, એપાર્ટેમેન્ટમાં એકેય ફ્લોર પર CCTV જ ન હોય હત્યારાનું પગેરું મેળવવું મુશ્કેલ બન્યું હતું. ‘તમે પાડોશમાં આવી જાવ તો સારું મારે સથવારો થઈ જાય’
11 સપ્ટેમ્બરે છાયા મોનાલિસા એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન જોવા માટે ગઈ હતી. ત્યારે બાજુના જ ફ્લેટમાં રહેતા એમીબેન મળ્યા હતા અને છાયાને બોલાવીને કહ્યું હતું કે, તેઓ અહીં એકલાજ રહે છે. જો તેઓ જલદી આવી જાય તો તેમને પણ સથવારો મળી રહે. એકલતાની જાણ થતા જ છાયાએ જાણે ચોરી કરવાનો અને પૈસા પડાવવાનો પ્લાન બનાવી લીધો. 13 તારીખે 15 વર્ષીય પુત્રને લઈ એમીબેનના ફ્લેટમાં ઘૂસી
13 સપ્ટેમ્બરે છાયા પોતાના 15 વર્ષના પુત્ર સાથે વૃદ્ધાના ઘરે પહોંચ્યી. એમીબેનને 2 દિવસ પહેલા મકાન જોવા આવ્યા હોવાની ઓળખાણ આપી ઘરમાં પ્રવેશ મેળવ્યો. ઘરમાં ગયા બાદ થોડીવારમાં જ છાયાએ સીધી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો, જેથી એમીબેને તેમને ટોક્યા હતા કે તિજોરી શું કામ ખોલો છો? ચોરી પકડાઈ જવાના ડરથી છાયાએ ઉશ્કેરાઈ ઘરમાં પડેલી ઈસ્ત્રી એમીબેનના માથામાં ઝીંકી દીધી હતી અને કેબલથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. 15 વર્ષના દીકરાએ બૂમો પાડી, ‘મમ્મી આવું ન કર’
માતાની આ હેવાનિયત જોઈને તેનો 15 વર્ષનો દીકરો ગભરાઈ ગયો. તેણે બૂમો પાડીને માતાને અટકાવતા કહ્યું હતું કે, “મમ્મી આવું નહીં કરીશ, મમ્મી આવું નહીં કરીશ”. દીકરાની સતત બૂમાબૂમથી છાયા એટલી ગભરાઈ ગઈ કે તે વૃદ્ધાના શરીર પર રહેલા આશરે 7 તોલા સોનાના દાગીના લૂંટી શકી નહીં. તેણે એક પણ દાગીનાને હાથ અડાડ્યો નહીં. તે માત્ર ઘરમાં પડેલો એક મોબાઈલ ફોન અને થોડી રોકડ રકમ લઈને પોતાના દીકરાને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગઈ. 300થી વધુ CCTV ફંફોળીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો
મૃતકના શરીર પર આશરે 7 તોલા સોનાના દાગીના અકબંધ હોવાથી શરૂઆતમાં પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો હતો, કારણ કે લૂંટનો ઈરાદો સ્પષ્ટ થતો ન હતો. 72 વર્ષીય દુરૈયાબેનની ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફે આસપાસના આશરે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને એક શંકાસ્પદ મહિલાને રિક્ષામાં જતા ટ્રેક કરી. પૂછપરછમાં છાયા પડી ભાંગી અને ગુનો કબૂલી લીધો
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસની ટીમ નાનપુરા ખારવાવાડ ખાતે બહુમાળી ભવનની પાછળ આવેલા ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતી છાયા શાહના ઘર સુધી પહોંચી. પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરતા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપી પડી ભાંગી. તેણે અને તેના 15 વર્ષના પુત્રએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની કબૂલાત કરી લીધી. પતિએ સાથ છોડ્યો, ગુજરાન ચલાવવા કેરટેકર બની
ACP વિજય મલ્હોત્રાએ વિગત આપતા જણાવ્યું કે, પકડાયેલી 35 વર્ષીય આરોપી છાયા શાહ મૂળ રાજકોટની વતની છે અને તેના પતિ વર્ષો પહેલા તેને છોડીને ચાલ્યા ગયા છે. હાલમાં તે સુરતમાં કેરટેકર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!