મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના ઊંડા પાણીમાં ફસાયેલા બે યુવકોને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સફળ રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢી લીધા છે અને મોડી રાત્રે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં નદી પર પહોંચેલા યુવકો પૈકી પાણીમાં ગરકાવ થયેલા અન્ય 1 યુવાન શોધખોળ માટે ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં તીવ્ર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે હોનારત
મોરબી નજીકના પીપળી ગામથી સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું ગ્રુપ પહોંચ્યું હતું. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન અચાનક ચાર યુવાનો નદીના ઊંડા પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
મચ્છુ નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો
સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં પીપળી ગામથી ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પૈકી ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં પાણી વચ્ચે ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના બે યુવાનોને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હેમખેમ બહાર કાઢી લીધા હતા. જોકે, પાણીના ઊંડા વહેણમાં ગરકાવ થઈ ગયેલા સોહન કુલડીયા અને વિલાસ સુભાષભાઈ નામના બે યુવાનોની શોધખોળ માટે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. ‘કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી’ મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ મોરબી ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે જુના સાદુળકા પાસે આવેલી મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકો ફસાયા છે. કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી 2 વ્યક્તિઓને સહીસલામત બચાવી લીધા હતા, જ્યારે 2 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા”
પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી
શરૂ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન મચ્છુ નદીમાંથી ડૂબી ગયેલા યુવાનો પૈકી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી અધિકૃત માહિતી મુજબ મૃતક યુવાનનું નામ વિલાસ સુભાષભાઈ ગાયકવાડ (ઉંમર 34 વર્ષ), રહે. નવી પીપળી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પાણીમાં ડૂબેલા અન્ય એક યુવાન સોહન કુલડીયાને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા હજુ પણ તીવ્ર શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
પથ્થરની ખાણોમાં વિસર્જનની ખાસ વ્યવસ્થા
મહાપાલિકા ચીફ ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સુરક્ષિત વિસર્જન માટે શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ મૂર્તિઓનું લીલાપર ઘૂનડા રોડ પર આવેલી પાણી ભરેલી પથ્થરની ખાણોમાં વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. અકસ્માત રોકવા માટે અન્ય કુદરતી જળાશયો કે નદીઓમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તંત્રના નિયમોના ઉલ્લંઘનથી સર્જાઈ દુર્ઘટના
તંત્રના સ્પષ્ટ પ્રતિબંધ છતાં કેટલાક લોકો સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે પહોંચી જતાં આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં બચાવી લેવાયેલા કે પાણીમાં ડૂબેલા યુવકોની ઓળખ નામ જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે હાજર રહીને આગળની તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!