જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ, બે શખ્સો સામે પોલીસ ગુનો નોંધાયો
રાધનપુર તાલુકાના ચલવાડા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ફરજ પર રહેલી મહિલા મહેસુલી તલાટી સાથે દાદાગીરી, ગેરવર્તન અને કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે મહિલા તલાટીની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ચલવાડા નવીન પ્રાથમિક શાળા ખાતે બુધવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન બપોરે આશરે 4:30 વાગ્યે બંધવડ ગામના દિનેશભાઈ વસ્તાભાઈ રબારી અને વિજયભાઈ લક્ષ્મણભાઈ રબારી કાર્યક્રમ સ્થળે આવ્યા હતા. દિનેશભાઈ દ્વારા મરણ પામેલા વ્યક્તિનું પેઢીનામું તૈયાર કરાવવા માટે જરૂરી કાગળો રજૂ કરવામાં આવ્યા હતા.
ફરજ પર રહેલી મહિલા તલાટી હેતલબેન ચૌધરીએ નિયમ મુજબ મરણનો દાખલો રજૂ કરવા જણાવતાં દિનેશભાઈ ઉશ્કેરાયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, તેમણે મરણનો દાખલો રજૂ કરવાનો ઇનકાર કરી તાત્કાલિક પેઢીનામું બનાવી આપવા આગ્રહ કર્યો હતો અને ગાળો આપી મહિલા તલાટીનો ડાબો હાથ મરડી નાખ્યો હતો.
આ દરમિયાન તેમની સાથે આવેલા વિજયભાઈ રબારીએ પણ મહિલા તલાટીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય તલાટીઓ અને ગ્રામજનોએ વચ્ચે પડી મહિલા તલાટીને બચાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, બંને શખ્સોએ સ્થળ પરથી જતા સમયે મહિલા તલાટીને ધમકી આપી હતી કે, તેઓ બંધવડ ગામ તરફથી રોજ પસાર થાય છે અને તેમને જાનથી મારી નાખશે.
આ સમગ્ર મામલે હેતલબેન ચૌધરીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે BNSની કલમ 121(1), 224, 132, 351(3), 296(b) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી એએસઆઈ અજમલભાઈ પટેલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
