નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ: વિગતો માંગવા છતાં અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ નહીં અપાયો હોવાનો દાવો

રાધનપુર નગરપાલિકામાં બંધ બોરના મેન્ટેનન્સના નામે થયેલા ખર્ચ અને કામગીરી અંગે નગરસેવક જયાબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રજાના હિતમાં નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ પાસેથી સાત બોરની કામગીરી અને ખર્ચ અંગે વિગતો માંગવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, તેઓ વિપક્ષી સભ્ય તરીકે પ્રજાનો અવાજ બનીને પાણી પુરવઠા અધિકારી પાસે બંધ બોરના મેન્ટેનન્સ અંગેની વિગતો અને આધાર-પુરાવા માંગવા ગયા હતા. જોકે, તેમના કહેવા પ્રમાણે અધિકારી તરફથી ક્યારેક ઓફિસ સુપ્રિટેન્ડન્ટ (OS)ને પૂછીને જવાબ આપવાની વાત કરવામાં આવી તો ક્યારેક ચીફ ઓફિસર (CO) પાસેથી માહિતી મેળવીને જણાવવાનું કહેવામાં આવ્યું.

નગરસેવક જયાબેન ઠાકોરે આ સમગ્ર મામલે પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે જો મેન્ટેનન્સની કામગીરી નિયમ મુજબ થઈ હોય અને ખર્ચ યોગ્ય રીતે થયો હોય, તો તેની વિગતો જાહેર કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.

તેમણે નગરપાલિકા તંત્ર સમક્ષ માંગ કરી છે કે આગામી ત્રણ દિવસમાં નગરપાલિકાના સાતેય બોરની વર્તમાન સ્થિતિ, મેન્ટેનન્સની કામગીરી તથા તેના પર થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો લેખિતમાં જાહેર કરવામાં આવે.

સાથે જ, માહિતી આપવામાં ટાળંટોળ કરવામાં આવી હોવાના તેમના આક્ષેપ અંગે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે.

જયાબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જો નગરપાલિકા તંત્ર દ્વારા સમયમર્યાદામાં પારદર્શક માહિતી આપવામાં નહીં આવે તો તેઓ આ મામલે ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. ઉપરાંત, નગરપાલિકા કચેરી ખાતે જનતાને સાથે રાખીને ઘેરાવ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!