કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ; પાણી, સ્વચ્છતા અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ
![]()
![]()
![]()
સેવા સંકલ્પ અભિયાનને જનભાગીદારી સાથે આગળ વધારવાના હેતુથી પાટણ જિલ્લામાં આગામી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાવાની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાના આયોજન અંગે સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાનીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
બેઠકમાં યાત્રા કયા માર્ગેથી પસાર થશે, કાર્યક્રમનું આયોજન કઈ રીતે કરાશે તથા ઉપસ્થિત થનારા લોકો માટે કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે વિભાગવાર જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
ટ્રાફિકથી લઈને સ્વચ્છતા સુધીની વ્યવસ્થા પર ભાર
જિલ્લા કલેક્ટરે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અગાઉથી જરૂરી પગલાં ભરવા અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને પીવાના પાણી, સ્વચ્છતા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જાહેર સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરવા જણાવાયું હતું.
યાત્રાના રૂટ પર સ્વચ્છતા જળવાઈ રહે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સ્થળો સ્વચ્છ રહે તે માટે સંબંધિત વિભાગોએ આગોતરી કામગીરી કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
NGO અને શૈક્ષણિક સંસ્થાઓને જોડાશે
કાર્યક્રમને વધુ લોકભાગીદારીસભર બનાવવા માટે વિવિધ NGO, NSS એકમો તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો યાત્રામાં જોડાય અને સેવા સંકલ્પ અભિયાનનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે દિશામાં આયોજન કરવા અધિકારીઓને જણાવાયું હતું.
વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓનું થશે સન્માન
સેવા સંકલ્પ અભિયાન દરમિયાન યોજાયેલી ચિત્ર, વકતૃત્વ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત ‘સેવા સેતુ’ કાર્યક્રમ મારફતે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓને પણ કાર્યક્રમમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમનું વધુ એક મહત્વનું આકર્ષણ એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ માધ્યમથી નાગરિકો સાથે જોડાશે. જેને પગલે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓની બેઠકમાં તૈયારીઓને અંતિમ સ્વરૂપ
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, પ્રાંત અધિકારી જેનીશ પાંડવ, DRDA નિયામક એ.ડી. વણઝારા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા તંત્ર દ્વારા ૭ ઓક્ટોબરે યોજાનારી સેવા જ્યોતિ કળશ યાત્રા માટે માર્ગ વ્યવસ્થા, જનસુવિધા, સ્વચ્છતા અને વિભાગીય સંકલન સહિતની કામગીરીને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

