કચ્છના ભુજ ખાતે આવેલી ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રેતીની લીઝનું ઓનલાઇન એકાઉન્ટ અનલોક કરી આપવા બદલ રૂ.50,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપના આધારે ACBએ છટકું ગોઠવી બે વ્યક્તિઓને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો મુજબ, ફરિયાદીની વર્ષ 2008માં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી રેતીની લીઝનું ઓનલાઇન એકાઉન્ટ કોઈ કારણસર લોક થઈ ગયું હતું. આ એકાઉન્ટ પુનઃ શરૂ એટલે કે અનલોક કરી આપવા માટે આરોપી તરફથી રૂ.50,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી સમગ્ર મામલે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને ભુજ ખાતે ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. દરમિયાન રૂ.50,000ની લાંચની રકમ સ્વીકારતા બે વ્યક્તિઓ ACBના હાથે ઝડપાઈ ગયા હતા.
ACBની કાર્યવાહીમાં જીનીશ નિતિનભાઈ આચાર્ય, આઇ.ટી. એક્ઝિક્યુટિવ (કરાર આધારિત), ખાણ અને ખનીજ વિભાગ, ભુજ તથા આશિષ કાળુભાઈ આચવડીયા, પ્રજાજન તરીકે ઓળખાતા વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે.
લાંચની માંગણી અને સ્વીકાર અંગેની ફરિયાદના આધારે ACB દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ACBની તપાસ દરમિયાન લાંચની માંગણી પાછળની ભૂમિકા તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વિગતો સામે આવી શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
