સાંતલપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખા તાલુકામાં હાહાકાર મચી ગયો છે.
અંદાજે 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.








આ ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસતાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે.
ખાસ કરીને વૌવા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે.
વહેલી સવારથી ખેતરોમાં ફસાયેલા પરિવારોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
પરંતુ વરસાદી પાણીના કારણે એસડીઆરએફની ટીમો ફસાયેલા પરિવારો સુધી પહોંચી શકી નહોતી, જેને કારણે હવે હેલિકૉપ્ટર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે.
અત્યાર સુધી કરાયેલા રેસ્ક્યૂમાં એક મહિલા અને એક દિવસીય બાળકીનું પ્રાણરક્ષણ કરાયું છે.
કલ્યાણપુરા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં રસ્તા તોડવા પડ્યા. સીધાડા અને ગરાબડી ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા ગામજનોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.
રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો પરેશાન બન્યા છે. નેશનલ હાઈવે પર ઠેરઠેર ખાડા પડી ગયા છે.
દ્રશ્યો એવા સર્જાયા છે કે જાણે ચંદ્ર કે મંગળ ગ્રહની સપાટી હોય તેવો માહોલ જણાઈ રહ્યો છે.
ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
ખેડૂતો તરફથી સરકારે તાત્કાલિક પાક સહાય જાહેર કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.
હાલ વહીવટી તંત્ર યુદ્ધસ્તરે રાહત-બચાવ કામગીરીમાં લાગી ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
