સરકાર સમક્ષ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી

પાટણ : છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મોસાળધાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અનેક ગામો પૂર જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે.

ગામોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અનેક પરિવારોના મકાન ધરાશાય થયા છે, ઘરગથ્થુ સામાન અને અનાજ નષ્ટ થયા છે જ્યારે પશુધન અને ખેતી પાકને પણ મોટું નુકસાન થયું છે.
સાંતલપુર તાલુકાના વૌવા, મઢુત્રા, બકુત્રા, રોઝુ, બરારા સહિતના ગામોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને પોતાના ઘરો છોડવા પડ્યા હતા. 48 કલાક બાદ પાણી ઓસરતા ઘણા પરિવારો પરત ફરીને પોતાના ઘરોની હાલત જોઈને ગમગીની અનુભવી રહ્યા છે.
“હે ભગવાન! અમારા ઘર તો ઊભાં છે” એમ કહી લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવા છતાં અંદર ઘૂસેલા પાણીથી મોટું નુકસાન થયું છે.
રાધનપુર તાલુકાના સહિતના વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકો વરસાદી પાણીમાં બગડી ગયા છે.
ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે આખી મહેનત પાણીમાં વહેતી થઈ ગઈ છે.
અનેક પશુઓના મોત થયા છે, તો કેટલાક પશુઓ બિમારીના ખતરા વચ્ચે છે.
સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
તેમનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે ઝડપી હાથ ધરવામાં આવે અને જે પરિવારોનું મકાન, પશુધન અથવા પાકનું નુકસાન થયું છે, તેમને યોગ્ય વળતર આપવામાં આવે.
સામાજિક સંસ્થાઓ તથા સ્થાનિક લોકોએ પણ સરકારને આહ્વાન કર્યું છે કે પ્રાથમિક તબક્કે લોકોને ખોરાક, પીવાનું પાણી, દવાઓ અને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.
સાથે સાથે તૂટેલા રસ્તાઓ અને વીજ પુરવઠાની તાત્કાલિક મરામત કરવી જરૂરી છે.
જિલ્લા તંત્ર તરફથી પ્રાથમિક કામગીરી શરૂ કરાઈ હોવાની માહિતી મળી છે, પરંતુ ગ્રામજનોનો આગ્રહ છે કે સરકાર વળતર ચુકવણીમાં કોઈ વિલંબ ન કરે અને અસરગ્રસ્ત લોકોને ન્યાય આપે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
