છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમા જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટક કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે. આ વચ્ચે આજે અમરેલીના ધારીમાં આયોજીત AAPની કિસાન સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. ઇટાલિયાએ જણાવ્યું કે, એક વ્યક્તિને જમીન આપવા માટે PM-CM બન્નેની ઓફિસમાંથી ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં હતા. ભષ્ટ્રાચાર કરનારની હિંમત તો જૂઓ. સુરેન્દ્રનગર જમીન કૌભાડ મામલે સરકાર પર ગંભીર આક્ષેપ
ધારીમાં આપની કિસાન સભામાં ગોપાલ ઇટાલિયાએ સુરેન્દ્રનગર જમીન કૌભાડ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને કલેક્ટરને પકડે તે વાતમાં કઈક શંકા નો થાય? બન્ને જગ્યાએ એકની જ સરકાર છે તોય રેડ પડી? કોઈ પણનું નામ લીધા વગર રેડ પાછળનું કારણ જણાવ્યું
ગોપાલ ઇટાલિયાએ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર આ રેડ પાછળ શું કારણ છે તે સમજાવતા જણાવ્યું કે, કેન્દ્રમાં એક સોલાર કંપની છે, જેને વડાપ્રધાન સાથે બોવ સારા સંબંધ છે જેણે વડાપ્રધાનને મળીને કહ્યું કે, મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન બનાવવો છે. જેથી વડાપ્રધાન ઓફિસથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે, અમે એક છોકરાને મોકલીએ છીએ તેને સોલાર માટે જેટલી સરકારી જમીન જોતી હોય એટલી આપવાની છે, એ માટે સુવિધા કરી આપો અને પ્લાટ નખાવી દેજો. મુખ્યમંત્રીએ તે વ્યક્તિની આગતા સ્વાગતા પણ કરી હતીઃ ઈટાલિયા
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન ઓફિસની સુચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી જેથી મુખ્યમંત્રીએ તે વ્યક્તિની આગતા સ્વાગતા પણ કરી હતી, જેના ફોટા વીડિયો પણ છે. ઓલા વ્યક્તિએ સુરેન્દ્રનગરમાં જમીન જોઈ છે તેમ કહ્યું. વડાપ્રધાનની ભલામણ, મુખ્યમંત્રીની ભલામણ સાથે તે વ્યક્તિ સુરેન્દ્રનગરમાં જમીનનું કામ કરવા ગયો ત્યારે કલેક્ટરે તેની પાસેથી રૂપિયા માગ્યાં હતા અને રૂપિયા લીધા પણ હતા. જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી ઈ માણસ પાસે કલેક્ટરે રૂપિયા માગી લીધા તો ભષ્ટ્રાચાર કરનારની હિંમત તો જૂઓ. વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, જેથી તે વ્યક્તિએ વડાપ્રધાનને કહ્યું કે, તમે મોકલ્યો તો પણ આને રૂપિયા લીધા. તો વડાપ્રધાનની ઓફિસ વારાએ ઈડીને ફોન કર્યો કે, અમે લીધા પછી એને શું કામ માગ્યા જાવ એને પકડો ઈ વાતનો વાંધો પડ્યો. હવે જોઈએ સુરેન્દ્રનગર જમીન કૌભાડ
1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી
23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીનકૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR
ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણી
ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો
સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે‎ EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ‎ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા. અહિં ક્લિક કરીને સમાચારને સંપૂર્ણ વાંચો હવે જોઈએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત કિસાન યાત્રા
અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા ધારીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રામાં ગોપાલ ઈટાલિયા ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભા યોજાઈ હતી. સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, બ્રિજરાજ સોલંકી, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સોલંકી અને કાંતિ સતાસીયા સહિત સ્થાનિક ગામડાના સરપંચો અને ઉપસરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!