વર્ષ 2022માં ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ ભણવા માટે પોણા ચાર લાખ કરોડથી વધુ રૂપિયા વાપર્યા હતા અને આ વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. 6 લાખ કરોડની રકમ એટલે મોદી સરકારના કૂલ શિક્ષણ બજેટ કરતા પાંચ ગણી વધારે રકમ. એક બાપ આજના સમયમાં પેઢીઓની જમીન વેચી દે છે અથવા આખી જિંદગીની મૂડી એરપોર્ટ પર દીકરા કે દીકરીને બાય-બાય કહેવા માટે ખર્ચી નાખે છે. જો હજુ પણ ભારત સરકારે પોતાનું શિક્ષણ ન સુધાર્યું તો ભવિષ્યમાં સૌથી તેજસ્વી મગજ વિદેશમાં જતા રહેશે. આપણે આપણા જ દેશનું ટેલેન્ટ પશ્ચિમને પીરસી રહ્યા છીએ જેના શરૂઆતના ભણવા પાછળનો ખર્ચો આપણા ટેક્સના રૂપિયાથી થયો છે. નમસ્કાર…. નીતિ આયોગે હમણા થોડા દિવસો પહેલા ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. 266 પાનાના આ રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો આપણી સામે એક વિલન સામે આવે છે જે છે આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા. જેના કારણે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે દીકરા કે દીકરીનું ભવિષ્ય સિક્યોર કરવું હોય કે આગળ વધારવો હોય તો વિદેશમાં ભણવા મોકલો અને વિદેશમાં જ સેટલ કરવું. આમાં મા-બાપનો કંઈ વાંક નથી પણ આપણી શિક્ષણ વ્યવસ્થાનો જ વાંક છે કે આપણે યોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપી નથી શકતા જેના કારણે બાળકોને વિદેશ ભણવા મોકલવા પડે છે. દેશમાં પરિસ્થિતિ એ લેવલે પહોંચી ગઈ છે કે ગરીબ દેશનો 1 વિદ્યાર્થી ભારતમાં ભણવા આવે છે અને સામેની બાજુ આપણે 28 વિદ્યાર્થીને ભણવા માટે બહાર મોકલીએ છીએ. નીતિ આયોગનો રિપોર્ટ મતલબ (ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સાવ એવું પણ નથી કે સરકાર પ્રયાસ નથી કરી રહી. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નીતિ આયોગે સરકારને 22 ભલામણો કરી છે. મેકોલેની શિક્ષણ નીતિએ ઘોર ખોદી આપણા ઈતિહાસમાં નજર કરીએ તો ભારત ક્યારેય શિક્ષણનું એક્સપોર્ટર નહોતું. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે વિદેશથી લોકો ભારત આવતા હતા. પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે મેકોલેની એજ્યુકેશન પોલિસીએ વિદ્વાન નહીં પણ ક્લાર્ક પેદા કરવાની પ્રોસેસ શરૂ કરી. ટોપ 100 યુનિ.માં ભારતની એકપણ નહીં આ વાત સાંભળીને કદાચ વાલીઓને સારું નહીં લાગે પણ વિશ્વની સૌથી સારી 100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. વર્ષ 2025ના QS રેન્કિંગમાં ભારતની સર્વોચ્ચ સંસ્થા IIT બોમ્બે છે, જેનો ક્રમ 118મો છે. આ ગંભીર વાતને ત્રણ પાસાંથી સમજીએ 1) આર્થિક પાસું વિદેશમાં ભણવા માટે જવામાં થતો નાણા પ્રવાહ છેલ્લા 10 વર્ષમાં 30 ગણો વધ્યો છે. વિદેશમાં ભણવા પાછળ ભારતીયોનો ખર્ચ મતલબ કે, જો તેમાં વિદ્યાર્થીઓના જે તે દેશમાં રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ અને અન્ય ખર્ચાઓ ઉમેરવામાં આવે, તો ભારતની બહાર વહી જતી સંપત્તિનો આ આંકડો 29 હજાર કરોડથી પણ ઘણો વધારે હોઈ શકે છે. 2) રાજકીય પાસું ડો. આંબેડકરે કહ્યું હતું શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે દહાડશે. શિક્ષણને ભારતના સંદર્ભમાં સૌથી મોટું કૂટનીતિક હથિયાર પણ માની શકાય. કારણ કે જે દેશના વિદ્યાર્થી અથવા ભાવિ નેતા ભારતમાં ભણશે તેઓ ભારતની સંસ્કૃતિના વાહક બનશે. માટે જ નીતિ આયોગે 2047 સુધીમાં વધુમાં વધુ વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં લાવવા માટે પ્લાન ઘડ્યો છે. પણ સામેની બાજુ ભારતના વિદ્યાર્થીઓને બહાર જતા રોકવા તેનાથી પણ જરૂરી વિષય છે. 3) સામાજિક પાસું 29 હજાર કરોડમાં દેશના 3 ટકા ધનીક પરિવારના વિદ્યાર્થી વિદેશમાં ભણે છે. જ્યારે આજની તારીખે દેશના 97 ટકા વિદ્યાર્થીઓ 6 લાખ કરોડના બજેટમાં ભારતમાં જ ભણે છે. તેમને પણ વૈશ્વિક દૃષ્ટિકોણ માટે વૈશ્વિક એક્સપોઝર આપવું જરૂરી છે પણ તે બ્રેઈન ડ્રેઈનના ભોગે ન હોવું જોઈએ. એટલે કે તેનો ઉપયોગ પછી ભારતમાં જ થવો જોઈએ તે વિદ્યાર્થી સારી ડિગ્રી મેળવીને વિદેશમાં સ્થાયી ન થાય તેવું માળખું દેશ માટે અતિ જરૂરી છે. વિશ્વનો શિક્ષણ પાછળ ખર્ચ અને ભારત ક્યાં? સ્ક્રીન પણ તમને વિશ્વના દસ દેશ દેખાય છે જે પોતાની જીડીપીના કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે તે જોઈ શકાય છે. અહીં તમે ભારત જુઓ અને બીજા દેશો જુઓ તે શિક્ષણને કેટલી ગંભીરતાથી લે છે. દુનિયામાં શિક્ષણ પાછળ ખર્ચ (ખર્ચ કુલ GDPની ટકાવારીમાં) અમેરિકા 6.1% બ્રાઝિલ 6% બ્રિટન 5.5% ફ્રાન્સ 5.4% કેનેડા 5.3% દક્ષિણ કોરિયા 5.1% જર્મની 4.8% ભારત 4.5% ચીન 4.2% જાપાન 3.6% (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) 60 વર્ષ થયા પણ શિક્ષણ પાછળ ખર્ચ ન વધ્યો! 1966માં કોઠારી કમિશને પહેલીવાર કહ્યું હતું કે ભારતે GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. 60 વર્ષ વીતી ગયા, 3 શિક્ષણ નીતિઓ આવી, પણ આપણે ક્યારેય એ 6% ના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યા નથી. શિક્ષણ પાછળનો આ ઓછો ખર્ચ જ કદાચ આપણી નબળાઈનું મુખ્ય કારણ છે. વિદેશમાં શિક્ષણ ભારત માટે પગ પર કુહાડી અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથ્સ ક્ષેત્રના હોય છે. ટૂંકમાં ભારત પોતાની ટેકનોલોજીકલ શક્તિ બીજા દેશોને મફતમાં આપી રહ્યું છે. અમેરિકામાં નવી H-1B વિઝા અરજીઓ માટે 1 લાખ ડોલરની ફી લાદવાની દરખાસ્ત છે. વાલીઓને સમજવું પડશે કે વિદેશ જવું એ હવે માત્ર ભણતર નથી, પણ બહુ મોટું આર્થિક જોખમ છે. આપણે સમજવું પડશે કે પશ્ચિમી દેશો ભારતને માત્ર એક પ્રોફિટેબલ માર્કેટ તરીકે જુએ છે. અમેરિકા, કેનેડા અને યુકેની યુનિવર્સિટીઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ તેમનું અર્થતંત્ર ચલાવવાનું સાધન છે. આવું ન થાય તેના માટે સરકારે આ નીતિ આયોગના રિપોર્ટમાં ગિફ્ટ સિટીમાં એવું કેમ્પસ બનાવવા જઈ રહી છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ આવીને ભણે અને ભારતને તે વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચ થતા રૂપિયાથી લાભ થાય. નીતિ આયોગની ભલામણ છે કે 2047 સુધીમાં 8 લાખ વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે. હવે આપણે આ રિપોર્ટમાં ગુજરાત માટે શું છે તેની પણ વાત કરીએ. નીતિ આયોગ કહે છે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) એટલે કે, 2025ના આંકડાઓ આવશે ત્યારે શું ખબર આપણે દેશના ટોપ 3 દેશોમાં હશું જે રાજ્યના સૌથી વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હશે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સુધારો નહીં કરીએ, તો આપણે વૈશ્વિકને લીડર આપશું અને દેશમાં એવરેજ વિદ્યાર્થીઓ જ રહી જશે. વર્લ્ડ લેવલનું શિક્ષણ હવે ભારતમાં આવું ન થાય તેના માટે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકિન અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ જેવી યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ નાખ્યા છે. જેના લીધે હવે ગુજરાતના વિદ્યાર્થીને કેનેડાની ઠંડીમાં ગેસ સ્ટેશન પર મજૂરી કરવાની કોઈ જરૂર નથી. વિદેશી લેવલનો અભ્યાસ ગુજરાતમાં જ થશે અને વિદ્યાર્થીઓને દેશમાં જ નોકરી મળી રહેશે. બ્રેઈન ડ્રેઈન થઈ શકે એટલું ઓછું થઈ જશે. શાહરુખ ખાનની ફિલ્મ હતી રઈશ. જેમાં ડાયલોગ હતો કે ગુજરાતની હવામાં જ વેપાર છે. તો ગુજરાતી માનસિકતાથી વિચારીએ તો ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ આવશે એ એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ જ છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અહીં જ ભણશે. ધીમે ધીમે વિદેશમાં જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવો એ જ લક્ષ્ય હોવું જોઈએ. લોકોને એ જાણવામાં પણ રસ હોય છે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા દેશમાં ભણવા માટે જતા હોય છે તો નીતિ આયોગના રિપોર્ટ મુજબ… ભારતીયોનો ભણવા માટેનો હોટ ફેવરિટ દેશ ક્યો? સૌથી વધુ અમેરિકા, તેના પછી કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, રશિયા, સાઉથ કોરિયા, ચાઈના અને દસમા નંબરે સ્પેનમાં ભણવા માટે જાય છે. 2024માં કયા દેશમાં કેટલા વિદ્યાર્થી ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી કયા દેશમાં જાય છે? 2004માં અમેરિકા પ્રથમ નંબરે હતો, 2024માં પણ પ્રથમ નંબરે અમેરિકા જ હતો. 2004માં કેનેડા 9મા નંબરે હતો, 2024માં કેનેડા બીજા નંબરે આવી ગયો. એટલે કે, આ 20 વર્ષમાં કેનેડા ભણવા જવાનો ક્રેઝ વધ્યો છે. અને છેલ્લે….. આપણે 2025-26ના બજેટમાં ડિફેન્સ માટે જેટલા રૂપિયા ખર્ચવાના છીએ, લગભગ એટલી જ રકમ આપણા વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓને ફીમાં આપી રહ્યા છે. આ શિક્ષણનું એક્સપોર્ટ છે જે આપણે ઘટાડવી જ પડશે. કારણ કે વિશ્વગુરુ બનવાની શરૂઆત વિદેશીઓને ભારતમાં લાવવાથી કે મોકલવાથી નથી થતી, પણ ભારતના તેજસ્વી મગજને ભારત મારું છે અને અહીં મને શ્રેષ્ઠ તક મળશે એવો અતૂટ વિશ્વાસ અપાવવાથી થાય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!