રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

નગરપાલિકા દ્વારા અંદાજે પાંચ મહિના અગાઉ ગરીબ તથા આર્થિક રીતે નબળા પરિવારની બહેનોને સાફ–સફાઈ, ગટરકામ તેમજ અન્ય નગરપાલિકા સંબંધિત દૈનિક કામોમાં જોડવામાં આવી હતી. ભારે અને જોખમી કામ હોવા છતાં આ બહેનો દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી, પરંતુ આશ્ચર્યજનક રીતે આજદિન સુધી તેમને તેમનો યોગ્ય પગાર ચૂકવવામાં આવ્યો નથી.

પગાર ન મળવાને કારણે આ બહેનો તથા તેમના પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. મોંઘવારીના આ સમયમાં ઘરખર્ચ, બાળકોના ભણતર, દવા–ઉપચાર અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે. બહેનોનું કહેવું છે કે તેઓ દિવસ–રાત મહેનત કરે છે, ગટર જેવી અસ્વચ્છ જગ્યાઓમાં કામ કરે છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા તેમના પરિશ્રમનું મૂલ્ય ચૂકવવામાં આવતું નથી.

આ બાબતે બહેનોએ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રીતે રજૂઆત કરી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગણી કરી હતી. જોકે, રજૂઆત બાદ પણ કોઈ નક્કર નિર્ણય કે પગાર ચુકવણી અંગે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. માત્ર આશ્વાસનો આપી સમય પસાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ બહેનોએ કર્યો છે.

બહેનોએ વધુમાં જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા કામ તો નિયમિત રીતે લેવામાં આવે છે, પરંતુ પગાર બાબતે સતત બેદરકારી દાખવવામાં આવી રહી છે.

આ સ્થિતિ ગરીબ શ્રમિક બહેનો સાથે અન્યાય સમાન છે. હવે જો ટૂંક સમયમાં બાકી રહેલ મહિનાનો પગાર ચૂકવવામાં નહીં આવે તો વોર્ડ -૧ના નગરસેવક જયાબેન આ ગરીબ મહિલાઓના ન્યાય અર્થે તેઓ મજબૂરીવશ લેબર કોર્ટનો દરવાજો ખખડાવશે અને કાયદેસર ન્યાય મેળવશે, તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિક સ્તરે રોષ ફેલાયો છે.

સામાજિક કાર્યકરો અને શ્રમિક સંગઠનો દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગરીબ પરિવારની બહેનોના હકના પૈસા અટકાવી રાખવાની નગરપાલિકાની કામગીરી નૈતિકતા અને કાયદા બંને સામે સવાલ ઊભા કરે છે.

હવે જોવું રહ્યું છે કે રાધનપુર નગરપાલિકા તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને મહેનતકશ બહેનોને તેમનો હક ક્યારે મળે છે.

નહિંતર આ મામલો લેબર કોર્ટ સુધી પહોંચે તો નગરપાલિકાની મુશ્કેલી વધે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

વધુમાં જયાબેને જણાવ્યું હતું કે એમાં ખાસ તો વિધવા બહેનો છે જેઓ એમના ઘર બાળકોનું ગુજરાન આના પર નિભાવે છે અને પાલિકા નિર્દય બની આ બધું મુંગા થઈ હેરાન કરી રહેલ છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!