​જૂનાગઢ જિલ્લાના બીલખા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. બીલખાના મસ્જિદ નજીક રહેતા સોયેબભાઈ ભાદરકાના 6 વર્ષના માસૂમ બાળક પર રખડતા કૂતરાઓના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો, જેના પગલે બાળક લોહીલુહાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં કમરની બંને બાજુ અને ગોઠણના ભાગે સાત ટાંકા આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ​5થી 6 કૂતરાઓએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો
બનાવની વિગતો મુજબ, બાળક જ્યારે રમી રહ્યો હતો ત્યારે અચાનક 5થી 6 હિંસક કૂતરાએ તેને ઘેરી લીધો હતો. આ કૂતરાઓએ માસૂમ બાળકને જમીન પર પાડી દઈ શરીરના અનેક ભાગો પર બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને મહામુસીબતે કૂતરાઓના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો. જો ગ્રામજનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. કુતરા કરડવાને પગલે અનેક જગ્યાએ ટાંકા આવ્યા
કૂતરાઓના હુમલાને કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને કુતરા કરડવાને પગલે કમરની બંને બાજુ અને ગોઠણના ભાગે સાત ટાંકા આવ્યા છે. હાલ બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. કૂતરા કરડવાના અનેક બનાવો છતાં તંત્ર મૌન હોવાનો આક્ષેપ
આ ઘટનાએ બીલખા ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની પોલ ખોલી નાખી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ કૂતરા કરડવાના અનેક બનાવો બન્યા છે, છતાં તંત્ર મૌન બની બેઠું છે. સ્ટ્રીટ ડોગ કંટ્રોલ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર માત્ર કાગળ પર યોજનાઓ બતાવી સંતોષ માની રહ્યું છે, જ્યારે વાસ્તવમાં લોકોની સુરક્ષા જોખમમાં છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!