સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના અગ્રણી બિલ્ડર અને ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીએ આજે (1 ફેબ્રુઆરી) રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બિલ્ડર તુષાર ઘેલાણીને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગરની આરપાર નીકળી ગઈ છે. બુલેટ્સના પાર્ટીકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી ગયા છે. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના આજે લગ્ન લખવાના હતા અને 5 ફેબ્રુઆરીએ લગ્ન હતા. આજથી લગ્નની ખુશીઓની શરૂઆત થઈ રહી હતી. હાલ ઘણા મહેમાનોને ખબર ન હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા છે. જોકે લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યાં લગ્નનિ સરણાય અને ઢોલ ઢબૂકવાના હતા, ત્યાં હાલ સનનાટો છવાઈ જવા પામ્યો છે. 9 MMની બૂલેટ મગજને આરપાર થઈ ગઈઃ પોલીસ
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 55 વર્ષીય બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાના રૂમમાં જ રિવોલ્વરથી માથા પર ગોળી મારી હતી. જે ગોળી આરપાર નીકળી ગઈ છે. કાનની પાછળના ભાગેથી મારવામાં આવેલી ગોળી મગજ ચીરીને આરપાર નીકળી ગઈ છે. ગોળી 9 MMની છે. આ બાબતે એફએસએલ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. રાતે 2 વાગ્યા આસપાસ ઘરે જ ગોળી મારી
મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની હતી. બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી હતી. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. મગજના ડાબા ભાગમાંથી બુલેટ નીકળીને જમણા ભાગ સુધી પહોંચીઃ ન્યુરોસર્જન
મહાવીર હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે બિલ્ડર તુષાર ઘેલાણીને મહાવીર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. એમને ગનશોટની ઇન્જરી બહુ ગંભીર રીતે થઈ હતી. એમાં મગજના ડાબા ભાગમાંથી બુલેટ નીકળીને જમણા વાળા ભાગ સુધી પહોંચી ગયેલી છે અને એ બુલેટ્સના પાર્ટીકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી ગયા છે, એને કારણે મગજમાં ખાસો એવો સોજો ડેવલપ થઈ ગયો છે. અત્યારે હાલત બહુ ગંભીર છે. એમને વેન્ટિલેટરનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે અને બીપીથી લઈ પલ્સનો સપોર્ટ પણ હાઈ ડોઝમાં ચાલી રહ્યો છે. ભગવાનની દયાથી તુષારભાઈની તબિયત સુધારા પર છેઃ અશોક પટેલ અધેવાડા
અશોક પટેલ અધેવાડા (મિત્ર)એ જણાવ્યું હતું કે, તુષારભાઈ ઘેલાણી છે, આપણા જોલી ગ્રુપના તેમના ઘરે રાતના લગભગ દોઢથી બે વાગ્યા આસપાસ આ ઘટના બની છે. વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો એટલે અત્યારે અમે હોસ્પિટલ આવ્યા છે. પણ ખરાબ ક્ષણ હતી એ આવી ગઈ, પણ ભગવાનની દયાથી તુષારભાઈની તબિયત સુધારા પર છે. આગળની ટ્રીટમેન્ટ ચાલે છે, ICUમાં એડમિટ છે. એમની દીકરીના ચાર-પાંચ તારીખના મેરેજ છે અને તેની તૈયારીઓ ચાલતી હતી. પણ હવે રાતના સમયે તેમની સાથે કોઈ ના હોય, ત્યારે પગલું ભર્યું. પણ હવે અમે આગળની જે કોઈ પારિવારિક કે તુષારભાઈ સ્વસ્થ થાય, જે કઈ માહિતી હશે એ આપને ચોક્કસ મીડિયા માધ્યમથી જણાવીશું. કોણ છે તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ છે. તેમની કંપનીઘેલાણી બિલ્ડર્સ ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લેપોઈન્ટ ખાતે જોલી કોમ્પલેક્ષમાં આવેલી છે. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા છે. લગ્નને લઈ પરિવારમાં ખુશીનો માહોલ હતો
બિલ્ડરની પુત્રીના લગ્ન 5 ફેબ્રુઆરીએ હોવાથી ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જ્યાં મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હોવો જોઈએ, ત્યાં આ ઘટનાને પગલે પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તુષાર ઘેલાણીએ આ પગલું ઘરકંકાસને કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તબીબોના જણાવ્યા અનુસાર સ્થિતિ ગંભીર
હાલમાં તુષાર ઘેલાણીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેમને સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ખૂબ જ ગંભીર છે. વધુ સારવાર માટે તેમને સુરતથી એર એમ્બ્યુલન્સ (વિમાન) મારફતે મુંબઈ લઈ જવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. પોલીસે રિવોલ્વર કબજે કરી, કારણ જાણવા પ્રયાસ
ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને રિવોલ્વર કબજે કરી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!