પોલીસની ઝડપી કાર્યવાહીથી વેપારીને સંપૂર્ણ રકમ પરત
રાધનપુર શહેરમાં ડાયપર કંપની Mamy Poko Pantsની ડીલરશીપ આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે થયેલી ઓનલાઈન ઠગાઈનો રાધનપુર પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો છે. પોલીસે માત્ર થોડા જ સમયમાં કાર્યવાહી કરી વેપારી પાસેથી ઠગાઈ કરેલી રૂ. 42,456ની સંપૂર્ણ રકમ રિકવર કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાધનપુર શહેરના મેઈન બજારમાં જનરલ સ્ટોર ચલાવતા વેપારીને ફોન કરી એક શખ્સે પોતાને Mamy Poko Pants કંપનીનો માર્કેટિંગ મેનેજર હોવાનું જણાવ્યું હતું. ડીલરશીપ આપવાની લાલચ આપી આરોપીએ ખોટું GST પ્રોફોર્મા બિલ વોટ્સએપ મારફતે મોકલી વેપારી પાસેથી રૂ. 42,456 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
પેમેન્ટ બાદ માલ મોકલ્યાનો ખોટો દાવો કરી ટ્રાન્સપોર્ટનું નામ જણાવાયું હતું, પરંતુ રાધનપુરમાં કોઈ જ માલ ન પહોંચતા વેપારીને શંકા ગઈ. ત્યારબાદ વધુ નાણાંની માંગ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે NCCRP પોર્ટલ મારફતે રાધનપુર પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરાઈ. ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ટ્રેકિંગના આધારે પોલીસે ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી લીધા. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઇલ, સીમકાર્ડ તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 72,456નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા એક વર્ષથી પોતાને જાણીતી ડાયપર કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વેપારીઓને નિશાન બનાવતા હતા. દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, કપડવંજ, તળાજા સહિત અનેક વિસ્તારોમાં આ ગેંગે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
રાધનપુર પોલીસે આવા ફોન કોલ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી સાવચેત રહેવા વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે. સાથે જ આ જ રીતથી જો કોઈ અન્ય વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તાત્કાલિક પોલીસ અથવા 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
