1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે દેશવાસીઓ સાથે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ આ વર્ષે બજેટથી વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે હીરા બજાર વૈશ્વિક મંદીના ઓથાર હેઠળ દબાયેલું છે, જેને ફરી પાછુ ઊભુ કરવા અને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે સુરતી ઉદ્યોગપતિઓએ સરકારને અમુક નીતિગત ફેરફારો સૂચવ્યા છે. જો આ ફેરફાર અમલમાં લાવવામાં આવે તો સુરતનું ડાયમંડ માર્કેટ પણ બેલ્જિયમની માફક હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે
નેચરલ ડાયમંડ એસોસિએશનના સભ્ય રાજુ ડાયાણીએ જણાવ્યું હતું કે, “અમારો હીરા ઉદ્યોગ અત્યારે અત્યંત સખત મંદીનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમારી મુખ્ય અપેક્ષા છે કે, સરકાર તરફથી થોડી રાહત અને મદદ મળે, જેથી ઉદ્યોગને થોડી શ્વાસ લેવાની તક મળે. આગામી 2026ના કેન્દ્રીય બજેટમાં અમને આશા છે કે નેચરલ ડાયમંડ સેક્ટર માટે કેટલીક રાહતો જાહેર કરવામાં આવે, જેથી રોજગારી અને ધંધો થોડો-થોડો આગળ વધી શકે. અત્યારે નેચરલ ડાયમંડમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને ઉદ્યોગ ખરેખર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે અને તેનો વિકાસ ફરી શરૂ થઈ શકે.” ટ્રેડિંગ હબ બનવા માટે ટેક્સ પ્રણાલીમાં સરળીકરણની માંગ
સુરતના હીરા ઉદ્યોગના એક્સપર્ટ્સનું એવું માનવું છે કે, ભારત હીરાના કટિંગ એન્ડ પોલિશિંગમાં વિશ્વમાં અગ્રેસર છે પરંતુ, ટ્રેડિંગમાં હજુ પાછળ છે. હાલમાં ભારતમાં 4 ટકા’સેફ હાર્બર ટેક્સ’ હોવાને કારણે વિદેશી ખોદકામ કંપનીઓ સીધા ભારતમાં રફ હીરા વેચવા આવતી નથી. ઉદ્યોગપતિઓની માંગ છે કે, જો બેલ્જિયમ જેવી સરળ ટેક્સ સિસ્ટમ અપનાવવામાં આવે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં રફ હીરાના વેચાણ માટે સરળીકરણ કરવામાં આવે તો ભારત વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. આ પગલાથી મધ્યસ્થીઓ દૂર થશે અને સીધો ફાયદો સ્થાનિક ઉદ્યોગને મળશે. બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ અપનાવે તો વિશ્વનું સૌથી મોટુ ટ્રેડિંગ હબ બની શકીએ
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ આ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, 2026ના કેન્દ્રીય બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે ઉદ્યોગમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. તેમણે ઉમેર્યું કે, વિદેશી ખાણકામ કંપનીઓને ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સરળતાથી રફ હીરા વેચવાની સુવિધા મળે તે માટે પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં 4 ટકા સેફ હાર્બર ટેક્સને કારણે વિદેશી ખાણિયાઓ અહીં રફ વેચવા માટે આવતા નથી અને ઉદ્યોગને તેનો લાભ મળતો નથી. જો આ ટેક્સ હટાવીને બેલ્જિયમ જેવી સિસ્ટમ અપનાવવામાં આવે – જ્યાં રફ હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે – તો ભારત માત્ર કટ એન્ડ પોલિશિંગનું જ નહીં, પરંતુ રફ હીરાના ટ્રેડિંગનું પણ વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. ઉદ્યોગના લોકોની મુખ્ય અપેક્ષા છે કે સરકાર આ દિશામાં ઝડપી સહયોગ આપે, જેથી વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં થોડી રાહત મળી શકે અને નિકાસ વધારી શકાય. SEZ એકમોને ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવેશની છૂટ અને ડ્યુટી ડ્રોબેકની આશા
વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકામાં વધતા ટેરિફ અને વેપાર અવરોધોને કારણે SEZમાં કાર્યરત અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા છે. જે એકમો અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત હતા, તેઓ હવે ડોમેસ્ટિક માર્કેટમાં પોતાનો માલ વેચવાની છૂટ મેળવવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. આ સાથે ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની માંગ પણ તેજ થઈ છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે ઘણા એક્સપોર્ટ ઓર્ડર્સ રદ થઈ રહ્યા છે અને સ્પર્ધાત્મક ભાવે વેચાણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, જો સરકાર ડોમેસ્ટિક ટેરિફરી વેચાણની મંજૂરી અને જ્વેલરી સેક્ટરને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપે તો રદ થતા ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારો (જેમ કે મધ્ય પૂર્વ, યુરોપ અને આફ્રિકા)માં એક્સપોર્ટ વધારી શકાય. SEZ એકમોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને આ બંને મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાની અપીલ કરી છે. આ સુવિધા મળે તો નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાય
GJEPC ગુજરાત રીજનલના ચેરમેન જયંતી સાવલિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અપેક્ષાઓમાં સૌથી મોટી માંગ ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી પર ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની છે, જે હાલમાં ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે, આ સુવિધા મળે તો સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે કેન્સલ થતા એક્સપોર્ટ ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાય. આ ઉપરાંત, SEZમાં કાર્યરત એકમો – જે અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત છે, તેમને ડોમેસ્ટિક માર્કેટમાં માલ વેચવાની પરવાનગી મળવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઉચ્ચ ટેરિફને કારણે અમેરિકા પર નિર્ભર કંપનીઓને ભારે તકલીફ પડી છે. તેમના સ્ટોકને બીજા દેશોમાં વેચવું સરળ નથી, જેથી ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણની મંજૂરી મળે તો આ એકમોને મોટી રાહત મળી શકે છે. તેમણે સરકારને અપીલ કરી કે આ બંને મુદ્દાઓ પર ઝડપી અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે, જેથી ઉદ્યોગની વર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય અને નિકાસ વધારી શકાય. રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના કારણે વિદેશી હૂંડિયામણમાં બચત
સુરતમાં ઝડપથી ઉભરી રહેલા લેબગ્રોન ડાયમંડ (LGD) સેક્ટરે હવે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ પ્રોત્સાહનની માંગ મજબૂત કરી છે. જે રીતે ટેક્સટાઇલ સેક્ટરને વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એવી જ રાહત અને પ્રોત્સાહન LGD ઉદ્યોગને પણ મળવી જોઈએ. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડના સીડ્સ પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂર્ણ થઈ રહી છે, જેને લંબાવવાની માંગ ઉદ્યોગ દ્વારા ભારપૂર્વક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભારત હવે પોતે રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરી રહ્યું છે, જેનાથી વિદેશી હૂંડિયામણમાં બચત થઈ રહી છે. આ બચતના બદલામાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના નિકાસ પર વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ તથા અન્ય પ્રોત્સાહનો આપવાની અપેક્ષા ઉદ્યોગ રાખી રહ્યો છે. આ મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાથી સુરતના LGD સેક્ટરને વધુ મજબૂતી મળી શકે છે અને નિકાસ વધારવામાં મદદ મળી શકે છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છે
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના સભ્ય અજય ડોબરિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, “આજે લેબગ્રોન ડાયમંડ સુરતના હીરા ઉદ્યોગમાં એક નવો ઉભરતો અને મહત્વનો સેક્ટર બની ગયો છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છે. ખાસ કરીને રફ (રો મટિરિયલ)નું ઉત્પાદન હવે મોટા ભાગે સુરતમાં જ થઈ રહ્યું છે, જે અગાઉ નેચરલ ડાયમંડના કિસ્સામાં વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું અને તે માટે વિદેશી હૂંડિયામણ બહાર મોકલવી પડતી હતી. હવે આપણે પોતે રફ ગ્રો કરીએ છીએ, જેનાથી વિદેશી ચલણની બચત થાય છે. આ સામે જ્યારે આપણે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે તેની સામે વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ મળવા જોઈએ. ઉદ્યોગની આ મુખ્ય અપેક્ષા છે કે, સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લેશે.” 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ તેનો વિકાસ થઈ રહ્યો છે
લેબગ્રોન ડાયમંડ વેપારી દિલીશ પીકડિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, “મારી મુખ્ય આશા છે કે લેબગ્રોન ડાયમંડના સીડ્સ (રફ) પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂરી થઈ રહી છે, તેને રિન્યુ કરવામાં આવે. આ રાહત ચાલુ રહે તો ઉદ્યોગને મોટી રાહત મળશે. બીજું, જે રીતે કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને સરકાર તરફથી વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એ જ પ્રકારના પ્રોત્સાહન અને પેકેજ ડાયમંડ ઉદ્યોગને પણ આપવામાં આવે. છેલ્લા 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ આ ઉદ્યોગ ટકી રહ્યો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે. જો સરકાર આવા પગલાં લેશે તો ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપથી થઈ શકશે અને સ્પર્ધાત્મકતા પણ વધશે.” બજેટમાં ટેકો મળશે તો લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહેશે
નેચરલ ડાયમંડ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને વધતા ખર્ચને કારણે રત્નકલાકારો અને નાના ઉદ્યોગ સાહસિકોની રોજગારી પર જોખમ ઉભું થયું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ સરકાર પાસે આર્થિક મદદ અને રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી હીરા બજારની ગાડી ફરી પાટા પર ચડી શકે. જો બજેટમાં યોગ્ય ટેકો મળશે, તો જ લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહી શકશે અને બજારમાં ફરી રોનક આવશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!