પાટણ LCBએ એક શખ્સને ઝડપી પાડ્યો, બે સાગરીતોની શોધખોળ શરૂ

પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કનીજ ગામની સીમમાં અંદાજે ત્રણ માસ અગાઉ ગાભણ ભેંસની કતલ કરી નાખવાના વણશોધાયેલા ગુનાનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો હોવાની માહિતી સામે આવી છે. ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે તેની સાથે સંડોવાયેલા હોવાનું જણાવાતા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કનીજ ગામના રહેવાસી બેચરભાઈ વિરમભાઈ ઠાકોરે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તા.12 જૂન 2026ના બપોરે 3 વાગ્યાથી તા.13 જૂન 2026ના સવારે 7 વાગ્યા દરમિયાન કનીજ ગામની સીમમાં તેમની ગાભણ ભેંસને અજાણ્યા શખ્સે કાપી મારી નાખી હતી. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 325 હેઠળ ગુનો નોંધાયો હતો.

ગુનો લાંબા સમયથી વણશોધાયેલો રહેતા પાટણ જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના મુજબ LCB દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સના આધારે માહિતી એકત્રિત કરતાં અમરાપુર પાર્ટી, તા.સમીના અલ્લારખા કાળુ સિન્ધી અંગે શંકા ઉપજી હતી.

દરમિયાન અલ્લારખા કાળુ સિન્ધીની અન્ય એક ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. પાટણ LCB દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે પોલીસ સમક્ષ પોતાના બે સાગરીતો સાથે મળીને કનીજ ગામની સીમમાં ભેંસની કતલ કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનામાં અલ્લારખા કાળુ સિન્ધી સાથે હારૂન જુમાસિન્ધી, રહે. જામવાડી, તા. જામજોધપુર, જી. જામનગર તથા મોહંમદ શાકી બમનન, રહે. અમનનગર, આકૃતિ ટાઉનશીપ રોડ પાછળ, વટવા, અમદાવાદની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. બંનેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ અને શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

અલ્લારખા કાળુ સિન્ધી, રહે. અમરાપુર પાર્ટી, તા. સમી, જી. પાટણ

પકડવાના બાકી આરોપીઓ:

હારૂન જુમાસિન્ધી, રહે. જામવાડી, તા. જામજોધપુર, જી. જામનગર
મોહંમદ શાકી બમનન, રહે. અમનનગર, આકૃતિ ટાઉનશીપ રોડ પાછળ, વટવા, અમદાવાદ

આ સમગ્ર કાર્યવાહી

પાટણ LCBના I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી. સોલંકી, PSI પી.વી. ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમી પોલીસ સ્ટેશનમાં ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!